મોરબીમાં ઠંડીની મૌસમ શરૂ થતાં જ તસ્કરો મેદાને આવ્યા છે. જેમાં પોલીસ નિષ્ક્રિય અને તસ્કરો વધુ સક્રિય હોવાની ઘટનાઓ સામે આવી છે. થોડા દિવસો અગાઉ તસ્કરોએ મોરબીના એક મંદિરમાં હાથ ફેરો કર્યા બાદ હવે હિંમત વધી જતાં જનરલ સ્ટોરને નિશાન બનાવ્યો હતો.
શહેરના રવાપર- ઘુનડા રોડ ઉપર આવેલ જનરલ સ્ટોરમાં આજે વહેલી સવારે તસ્કરોએ તાળા તોડી દુકાનની અંદર હાથફેરો કરી દુકાનના માલ સામાનની સાથે સીસીટીવી અને ડીવીઆર પણ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે.
મોરબીના રવાપર- ઘુનડા રોડ ઉપર નવજીવન સ્કૂલ પાસે જનરલ સ્ટોર ધરાવતા મનોજભાઈ લાલજીભાઈ ઓગણજાના જણાવ્યા અનુસાર તેમની દુકાનમાં અગાઉ તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ દુકાનના તાળા તોડી રૂ.35 હજારની વસ્તુ ચોરી કર્યા બાદ ફરી આજે વહેલી સવારે આ દુકાનમાં તાળા તોડી અંદર પ્રવેશી જનરલ સ્ટોરની ઘણી વસ્તુઓ તેમજ 2 કેમેરા અને ડીવીઆરની ચોરી કરી ગયા હતા.
આ બાબતે તેઓએ પોલીસને જાણ કરી છે. તેથી પોલીસની તપાસ બાદ જ ચોરીનો સાચો આંક જાણવા મળશે. નોંધનીય છે કે, હજુ શિયાળામાં આ માત્ર બોણી સમાન જ ઘટના છે.
હજુ શિયાળો તો આખો બાકી જ છે. એટલે આબરૂ બચાવવી હોય તો પોલીસને આળસની સાથે ટાઢ પણ ઉડાડવી પડશે.