શુક્રવારે સવારે 11 વાગ્યે ખબર પડી જશે કે નવા મંત્રીમંડળમાં કોણ હશે અને કોણ કપાશે? કોને કેબિનેટનો દરજ્જો અપાશે અને કોને રાજ્યકક્ષાના મંત્રી બનાવાશે? આ ઉપરાંત રાજ્યકક્ષાના ક્યા મંત્રીને સ્વતંત્ર હવાલો આપવામાં આવશે તે પણ સ્પષ્ટ થઈ જશે. હાલ અલગ-અલગ નામ, જ્ઞાતિ ગણિત સહિતના સમીકરણો સૌ કોઈ માંડી રહ્યા છે
ત્યારે રાજકીય વર્તુળોમાંથી એવી માહિતી મળી રહી છે કે, સૌરાષ્ટ્રમાંથી 8 ધારાસભ્યને મંત્રીપદ આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. રાજકોટ જિલ્લામાંથી એકમાત્ર કુંવરજીભાઈને યથાવત્ રખાય તેવી પૂરેપૂરી સંભાવના છે. જયેશ રાદડિયાને મંત્રીપદ અપાશે કે કેમ? અને કેબિનેટમાં લેવાશે કે રાજ્યકક્ષાની કામગીરી સોંપીને સ્વતંત્ર હવાલો આપવામાં આવશે
તે અંગે કોઈ હાલના તબક્કે છાતી ઠોકીને કહી શકે તેમ નથી. કેટલાક રાજકીય આગેવાનો તો એવું પણ કહી રહ્યા છે કે, રાજકોટ જિલ્લામાંથી માત્ર કુંવરજીભાઈ એક જ મંત્રીપદે હશે. એટલે રાજકોટ શહેરમાંથી પણ એકપણ ધારાસભ્ય મંત્રીપદે નહીં હોય.
મુખ્યમંત્રી સહિત 25નું મંત્રીમંડળ રાખવામાં આવે તેવી પણ સંભાવના છે. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત 24 મંત્રીઓ જેમાં 10 કેબિનેટ કક્ષાના અને 14 રાજ્યકક્ષાના મંત્રીઓ રખાશે અને રાજ્યકક્ષામાં ચારને સ્વતંત્ર હવાલો આપવામાં આવશે. જ્ઞાતિ ગણિત જોઈએ તો ચાર લેઉવા પટેલને પ્રતિનિધિત્ત્વ આપવામાં આવશે
જેમાં 2 કેબિનેટ અને 2 રાજ્યકક્ષા, 2 ક્ષત્રિયમાં 1 કેબિનેટ અને 1 રાજ્યકક્ષા, 1 બ્રાહ્મણ, 2 આદિવાસી તેમાં 1 રાજ્યકક્ષા અને 1 કેબિનેટ જ્યારે દલિત સમાજમાંથી આવતા 1 ધારાસભ્યને કેબિનેટનો હવાલો સોંપવામાં આવે તેવી સંભાવના છે અને આ માટે ઉનાના ધારાસભ્ય ડો.પ્રદ્યુમ્ન વાજા પર પસંદગી ઉતારાય તેવી સંભાવના છે.