ગોંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડનો મુખ્ય ગેટ 1 ઓક્ટોબર, 2025 થી એક મહિનાના સમયગાળા માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ ગેટનું નવીનીકરણ કરવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડને વધુ આધુનિક બનાવવાના ભાગરૂપે મુખ્ય ગેટને ડિજિટલ સુવિધાઓ અને નવા ફાટક સાથે તૈયાર કરવામાં આવશે. આ કામગીરીને કારણે મુખ્ય ગેટ પરથી વાહનવ્યવહાર બંધ રાખવો અનિવાર્ય છે.
યાર્ડમાં વાહનોની અવરજવર જાળવી રાખવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. યાર્ડમાં પ્રવેશ કરવા માટેનો વૈકલ્પિક રસ્તો સ્વસ્તિક મિલની બાજુની શેરીમાંથી, દુકાન નંબર A-50 પાસેથી રહેશે.
જ્યારે યાર્ડમાંથી બહાર નીકળવા માટે ટ્રાન્સપોર્ટ નગરના ગેટનો ઉપયોગ કરવાનો રહેશે. બજાર સમિતિ દ્વારા યાર્ડ સાથે સંકળાયેલા તમામ વેપારીઓ, ખેડૂતો અને અન્ય લોકોને આ નવા ફેરફારની ખાસ નોંધ લેવા અને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે.