શાહની મુલાકાત બાદ રાજ્યસભાના સાંસદની ‘ગણના’ શરૂ!

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની પક્ષમાં કાર્યક્રમોની અંદર અવગણના કરવામાં આવતી હતી એ વાત સૌકોઈ જાણે છે, પરંતુ તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહની રાજકોટ મુલાકાત બાદ રામભાઈની અચાનકથી ગણના શરૂ થઇ ગઈ હોય એવું લાગી રહ્યું છે. દરેક કાર્યક્રમમાં આમંત્રણ બાદ તેમની હાજરી અને તાજેતરમાં તેમના કાર્યાલયે અવગણના કરતા નેતાઓ ચા પીવા પહોંચતાં હવે રામભાઈની સાથે સમાધાન થયાની ચર્ચાએ જોર પકડ્યું છે.

રામભાઈએ પણ અમિતભાઇની વાત માની સ્વદેશી વસ્તુઓ અપનાવવાની શરૂ કરી દીધી છે અને કરોડો કિંમતની રોલેક્સ કંપનીની ઘડિયાળ અને લેન્ડ ક્રૂઝર કારનો ત્યાગ કરી દીધો છે. પક્ષ માટે 1976થી કામ કરતા રામભાઈ મતભેદ હોઈ શકે, મનભેદ ન હોય એમ કહી વિચારધારાના કારણે કોઈની સાથે મતભેદ થતાં હોવાનો પણ સ્વીકાર કર્યો હતો.

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યા હતું કે હું પાર્ટીનો વફાદાર કાર્યકર છું. 1976ના સમયથી વિદ્યાર્થીકાળથી પાર્ટી માટે કામ કરું છું. મને રાજ્યસભાનો સાંસદ મારી લાયકાત મુજબ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જે.પી.નડ્ડાએ બનાવ્યો છે, જેમનો હું આભારી છું. મને રાજ્યસભાનો સાંસદ બનાવ્યો ત્યારથી કેટલાક લોકોને તકલીફ પડી હશે, પરંતુ હું પાર્ટી માટે હંમેશાં કામ અપેક્ષા વગર કરું છું. મારી વિચારધારા અલગ છે, માટે ઘણી વખત પાર્ટીમાં બીજા લોકો સાથે મતભેદ થતા હોય, પણ મનભેદ ક્યારેય હોય ના હોઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *