રાજકોટ શહેરનાં માર્ગો પરના જીવલેણ ખાડાઓની બેદરકારીએ એક હસતા-રમતા યુગલની જિંદગીને બરબાદ કરી દીધી છે. રાજકોટનાં પરસાણા ચોક પાસે બાઇક સ્લીપ થવાથી થયેલા અકસ્માતમાં જુલીબેન પંડ્યા નામની મહિલાને કાયમી ખોટ રહી ગઈ છે. માત્ર 15 મહિના પહેલાં જેનાં લગ્ન થયા હતા, તે જુલીબેનનો પગ હવે આજીવન 90 ડિગ્રી કરતાં વધુ નહીં વળી શકે. આ ઘટનાએ મહાપાલિકા તંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પોતાના પત્નીની આ દયનીય હાલત જોઈને જુલીબેનનાં પતિ વત્સલ પંડ્યાએ તંત્ર સામે ભારોભાર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે માત્ર લોકોને હેલ્મેટ પહેરાવવાથી અકસ્માત ઘટશે નહીં તંત્ર પોતાની જવાબદારી સમજી બધા ખાડા બુરે તે જરૂરી છે.
પત્નીને ગુમાવેલી જિંદગીની ખુશી અને સામે આવેલી આર્થિક મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતાં વત્સલ પંડ્યા ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, મારા લગ્નને હજુ 15 મહિના જ થયા છે અને આજે મારી પત્ની પથારીવશ છે. આ અકસ્માત માત્ર હેલ્મેટ ન પહેરવાથી નથી થયો, પરંતુ રસ્તા પરનાં ખાડા અને તંત્રની બેદરકારીનાં કારણે થયો છે. વત્સલ પંડ્યાએ તંત્રની કામગીરી પર પ્રહાર કરતાં કહ્યું કે, નાગરિકો પોતાની જવાબદારી સમજીને ટેક્સ ભરે છે અને દંડ પણ ભરે જ છે. પરંતુ તંત્ર પણ પોતાની ફરજ સમજે તે પણ અનિવાર્ય છે. હેલ્મેટ પહેરાવવાથી અકસ્માતો નહીં રોકાય, અકસ્માતો રોકવા માટે રોડ પરના ખાડા પૂરવા પડશે.