રાજકોટના નાનામવા રોડ પરના જીવરાજનગરમાં રહેતી યુવતીએ પોતાના તથા પ્રેમીના પરિવારની સહમતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતી કોલકાતા નોકરી પર જતાં પતિએ જાણ કર્યા વગર બીજા લગ્ન કરી લીધા હતા. સાસરિયાંઓએ પુત્રવધૂને ત્રાસ આપ્યો હતો.
જીવરાજનગરમાં રહેતી ધારા કોટકે (ઉ.વ.31) મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમરનાથ પાર્કમાં રહેતા પતિ પ્રજ્ઞેશ પાઘડાર, સસરા રમેશ મોહનલાલ પાઘડાર, સાસુ જયા પાઘડાર, દિયર રવિ પાઘડાર, પતિની બીજી પત્ની પૂજા પ્રજ્ઞેશ પાઘડાર, હિતેન્દ્ર અમૃતલાલ મજેઠિયા અને વૈદિક સુરેશ પાઘડારના નામ આપ્યા હતા. ધારાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોલકાતાની કંપનીમાં એકાઉન્ટ હેડ તરીકે નોકરી કરે છે. ધારાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2015માં કાગવડમાં કૃષિમેળો યોજાયો હતો તેમાં પોતે પોતાની કંપનીના સ્ટોલ પર હતી અને પ્રજ્ઞેશ તેના કામ સબબ આવ્યો હોય બંને વચ્ચે પરિચય થયો હતો. ત્યારબાદ બે ત્રણ વખતની મુલાકાત પછી પ્રજ્ઞેશે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.
યુવતીના પરિવારજનો સહમત થયા હતા અને પ્રજ્ઞેશના પરિવારજનોને મળ્યા હતા અને જલ આપવાનું નક્કી કર્યું હતું. પ્રજ્ઞેશના પરિવારજનોએ જીવરાજપાર્કમાં પોતાનું મકાન હોવાનું બતાવ્યું હતું. જોકે ખરેખર તે અન્ય કોઇનું હતું અને સગપણ કરવા માટે આવો ખેલ પાડ્યો હતો. વર્ષ 2016માં લગ્ન નક્કી થયા હતા, કંકોત્રી છપાઇ ગઇ હતી, પ્રજ્ઞેશના માતા-પિતાએ મકાન માટે રૂ.15 લાખની માંગ કરી હતી, જે ધારાના પરિવારજનોએ નહીં આપતાં લગ્ન વખતે પ્રજ્ઞેશના માતા-પિતા હાજર રહ્યા નહોતા.
સાસુ, સસરા તથા દિયર મેણાંટોણાં મારતા હતા. મકાન ખરીદવાનું ડાઉન પેમેન્ટ પણ ધારાના ભાઇએ ભર્યું હતું, લોન ધારાના નામે કરવામાં આવી હતી, જેના હપ્તા ધારા ભરતી હતી. 2018માં ધારા નોકરી માટે કોલકાતા જતી રહી હતી, પતિએ થોડા દિવસ સંપર્ક કર્યો ચાલુ રાખ્યો હતો ત્યારબાદ તેણે સંપર્ક તોડી નાખ્યો હતો, થોડા દિવસ બાદ ધારાને પતિ પ્રજ્ઞેશ અને અન્ય યુવતીના ફોટા જોવા મળ્યા હતા ધારાએ તપાસ કરી તો પતિ પ્રજ્ઞેશે પૂજા હિતેન્દ્રભાઇ મજેઠિયા સાથે બીજા લગ્ન કરી લીધા હતા. પ્રજ્ઞેશે રજિસ્ટર લગ્ન કર્યા હતા જેમાં પોતાને કુંવારો બતાવ્યો હતો, અને આ લગ્નમાં સાક્ષી તરીકે વૈદિક સુરેશ પાઘડાર અને રવિ રમેશ રહ્યા હતા. પોલીસે ધારાની ફરિયાદ પરથી 7 સામે ગુનો નોંધ્યો હતો.