રાજકોટમાં શ્રાવણ માસ શરૂ થતાં જ ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતી ફરાળી વાનગીઓની ગુણવત્તા જાળવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે ગાયત્રીનગર મેઈન રોડ પર આવેલી ‘જલારામ ફરસાણ’ નામની પેઢી પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી ફરાળી પેટીસમાં ભેળસેળ અને વાસી ખાદ્યસામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને 90 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ અન્ય સ્થળોએ તપાસ કરી ફરાળી લોટ તેમજ સાબુદાણાની ખીચડી સહિત 5 નમૂના પણ લેવામાં આવ્યા છે.
જલારામ ફરસાણમાંથી 90 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો જપ્ત કરી નાશ કરાયો પ્રાપ્ત વિગત મુજબ ગાયત્રીનગરમાં આવેલી જલારામ ફરસાણ નામની પેઢી દ્વારા વેચવામાં આવતી પેટીસમાં ભેળસેળ હોવાની માહિતી ફૂડ વિભાગને મળી હતી. આ માહિતીના આધારે ફૂડ વિભાગની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું કે ‘જલારામ ફરસાણ’માં ફરાળી પેટીસ બનાવવા માટે મકાઈના લોટ (MAIZE STARCH)નો ઉપયોગ કરવામાં આવતો હતો, જે ફરાળમાં ઉપયોગમાં લઈ શકાતો નથી. જેને લઈને સ્થળ પરથી 85 કિ.ગ્રા. વાસી ફરાળી પેટીસ અને 5 કિ.ગ્રા. મકાઈનો લોટ મળીને કુલ 90 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો નાશ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ફૂડ વિભાગે આ પેઢીને ફૂડ લાયસન્સ અને સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન ન કરવા બદલ નોટિસ પણ પાઠવી છે.