ડેનમાર્કની દવા કંપની નોવો નોર્ડિસ્કે બુધવારે ભારતમાં Awiqli (ઇન્સ્યુલિન આઇકોડેક) લોન્ચ કરી. કંપનીનો દાવો છે કે આ દુનિયાની પહેલી સપ્તાહમાં એકવાર આપવામાં આવતી બેસલ ઇન્સ્યુલિન છે, જે ટાઇપ-1 અને ટાઇપ-2 ડાયાબિટીસના પુખ્ત દર્દીઓ માટે છે. તેના આગમનથી દરરોજ લેવાતા 365 ઇન્સ્યુલિન ઇન્જેક્શન ઘટીને વર્ષમાં 52 થઈ જશે.
કંપનીના મતે, Awiqliનો ઉદ્દેશ્ય ભારતમાં ઇન્સ્યુલિન શરૂ કરવામાં થતા વિલંબને ઘટાડવાનો છે. નોવો નોર્ડિસ્કનું કહેવું છે કે દરરોજ ઇન્જેક્શન લેવાનો ડર દર્દીઓ વચ્ચે ઇન્સ્યુલિન થેરાપી શરૂ કરવામાં સૌથી મોટો અવરોધ છે, જેના કારણે સરેરાશ સાતથી નવ વર્ષનો વિલંબ થાય છે.
કંપનીએ 700 યુનિટનું પેક ₹2611માં લોન્ચ કર્યું છે. એટલે કે તેની કિંમત ₹3.73 પ્રતિ યુનિટ પડશે, જે હાલની દૈનિક બેસલ ઇન્સ્યુલિનની સરખામણીમાં 30થી 40 ટકા સુધી સસ્તી હોવાનું જણાવાયું છે. જો કોઈ દર્દીને દરરોજ 10 યુનિટ ઇન્સ્યુલિનની જરૂર હોય, તો તેને સપ્તાહમાં 70 યુનિટ ઇન્સ્યુલિન લાગશે, જેનો ખર્ચ લગભગ ₹261 પ્રતિ સપ્તાહ થશે.
મુંબઈના ડાયાબિટીસ નિષ્ણાત ડો. રાજીવ કોવિલે જણાવ્યું કે Awiqliની સૌથી મોટી વિશેષતા તેની સ્પર્ધાત્મક કિંમત છે. તેમના મતે, તે હાલના દૈનિક બેસલ ઇન્સ્યુલિનની નજીક છે, જેનાથી આ ટેકનોલોજી માત્ર અમુક લોકો પૂરતી મર્યાદિત રહેશે નહીં. તેમણે કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલમાં આ દવાથી ઘણા કિસ્સાઓમાં દૈનિક બેસલ ઇન્સ્યુલિન જેટલું અથવા તેનાથી વધુ સારું બ્લડ સુગર નિયંત્રણ જોવા મળ્યું છે.
ભારતમાં લગભગ 10.1 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે, જ્યારે 13.6 કરોડ લોકો પ્રી-ડાયાબિટીસની સ્થિતિમાં છે. દેશમાં 9 લાખથી વધુ લોકો ટાઇપ-1 ડાયાબિટીસથી પ્રભાવિત છે, જેમની સારવારનો મુખ્ય આધાર ઇન્સ્યુલિન છે. જ્યારે ટાઇપ-2 ડાયાબિટીસના લગભગ 10 ટકા દર્દીઓને પણ ઇન્સ્યુલિન થેરાપીની જરૂર પડે છે.
Awiqliને FlexTouch પેન ડિવાઇસ દ્વારા અઠવાડિયામાં એકવાર આપવામાં આવશે. કંપનીનું કહેવું છે કે તેનાથી સારવારનો બોજ ઓછો થશે, દર્દીઓની દવા લેવાની નિયમિતતા વધશે અને ઇન્સ્યુલિન થેરાપી શરૂ કરવામાં થતી ખચકાટ પણ ઓછી થશે.