રાજકોટમાં વાહન ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતા યુવકને મોત મળ્યું, આરોપી પિતા-પુત્રો સહિત 3ની ધરપકડ

રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોકાજી સર્કલ નજીક સામાન્ય બોલાચાલી અને ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પુરપાટ ઝડપે બુલેટ ચલાવતા એક સગીરને વાહન ધીમે ચલાવવા માટે ટકોર કરવી એક યુવકને ભારે પડી ગઈ છે. બુલેટ ચાલક સગીર, તેના ભાઈ અને પિતાએ સાથે મળીને કાયદો હાથમાં લીધો હતો. આ સામાન્ય બાબતમાં સગીરના પિતાએ ગેરકાયદે હથિયાર વડે હવામાં અને ત્યારબાદ યુવક પર બે રાઉન્ડ ફાયરિંગ કરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી હતી. આ ચકચારી ઘટનામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી એક સગીર સહિત પિતા-પુત્રો ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ફરિયાદીએ પોલીસ સમક્ષ નોંધાવેલી FIRમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઘટના સમયે આરોપી રણજીતસિંહ વાળાએ પહેલાં હવામાં ફાયરિંગ કરીને ભયનો માહોલ સર્જ્યો હતો અને ત્યારબાદ કૃષ્ણસિંહને ગોળી મારી દીધી હતી. હુમલા દરમિયાન રણજીતસિંહના બંને પુત્રો પોતાના પિતાને ક્રૂરતાપૂર્વક ઉશ્કેરતા હતા અને કહેતા હતા કે, ’પપ્પા આને મારી જ નાખો, હજી ગોળી મારો, આ જીવતો ના રહેવો જોઈએ’. પુત્રોની આ ઉશ્કેરણી બાદ પિતાએ યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ ચકચારી ઘટના 8 જુલાઈની રાત્રે રાજકોટના નાનામૌવા ગામતળ શેરી નંબર-4માં આવેલા ‘કર્મયોગ’ મકાન બહાર બની હતી. રાત્રે 9:30 વાગ્યા આસપાસ બુલેટ મોટરસાયકલ સ્પીડમાં ચલાવવાના મુદ્દે કૃષ્ણસિંહ જાડેજા અને સગીર વચ્ચે બોલાચાલી અને સામાન્ય ઝપાઝપી થઈ હતી, જેમાં કૃષ્ણસિંહે સગીરને લાફો મારી દીધો હતો. આ વાતની અદાવત રાખી સગીરે પહેલાં પોતાના મોટાભાઈ અને ત્યારબાદ પિતાને ફોન કરીને બોલાવ્યા હતા. પુત્રને લાફો માર્યો હોવાની જાણ થતાં જ પિતા રણજીતસિંહ વાળા પોતાના બંને પુત્રો સાથે હથિયાર લઈને કૃષ્ણસિંહના ઘરે પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *