સુરતના ડિંડોલીમાં બે મહિના પહેલા જ 3 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલા 180 ફૂટનો રોડ વરસાદમાં ઉખડી જતા લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે. સામાન્ય રીતે વરસાદમાં ડામર ધોવાઈ જતો હોય છે પરંતુ, અહીં તો જાણે ભૂંકપ આવ્યો હોય અને જમીનના ટુકડા થઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાતા લોકો રસ્તાની ગુણવત્તાને લઈ સવાલો ઉઠાવી રહ્યા છે. ઘટનાસ્થળ પર પહોંચી વીડિયો બનાવી રોષ ઠાલવી રહ્યા છે.
સુરતમાં ભારે વરસાદની સમસ્યામાંથી લોકો બહાર નથી આવ્યા ત્યાંજ બિસમાર રસ્તાઓની સમસ્યા સામે આવવા લાગી છે. ડિંડોલી વિસ્તારમાં 2 મહિના પહેલા જ 3 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા નવાનક્કોર રસ્તાના પોપડા ઉખડી જતા રસ્તાની ગુણવત્તાને લઈ સવાલ ઉઠ્યા છે.
ત્રણથી ચાર મીટરના ડામરના આખા પોપડા ઉખડી ગયા આ અકસ્માત કે હોનારતની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રસ્તાની ઉપર બિછાવવામાં આવેલા ડામર અને કપચીના આખેઆખા પોપડા લગભગ ત્રણથી ચાર મીટર સુધી ઉખડીને ઉપર આવી ગયા છે. એટલું જ નહીં, રસ્તાની એક બાજુના આખેઆખા પોપડા ઉખડીને ઉછળીને રોડની બિલકુલ બીજી બાજુ એટલે કે ડિવાઈડરની પેલે પાર પહોંચી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડામરનું આ સ્તર એટલું નબળું હતું કે તે પાણીના સાધારણ દબાણને પણ સહન કરી શક્યું નહીં. રોડની વેરવિખેર થયેલી આ સ્થિતિ અત્યારે કોઈ યુદ્ધના મેદાન જેવી અથવા તો કુદરતી હોનારત પછીના ભંગાર જેવી દેખાઈ રહી છે.