રાજકોટમાં પાણીજન્ય રોગચાળો યથાવત્

રાજકોટમાં ચોમાસાની ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો પીછો છોડવા તૈયાર ન હોય તેમ ચાલુ સપ્તાહે કમળાનાં વધુ 2 અને ટાઇફોઇડનો પણ વધુ1 કેસ સામે આવ્યો છે. સાપ્તાહિક આંકડાઓ અનુસાર શહેરમાં શરદી-ઉધરસ, તાવ તેમજ ઝાડા-ઊલટી સહિત વિવિધ રોગના 1,829 દર્દી નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા ઠેર-ઠેર ક્લોરીન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. ગત સપ્તાહે વધુ 1046 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો ક્લોરીનેશન વધારવા, પીવાનું અને ગટરનું પાણી મિક્સ થાય નહીં તે માટે પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ટાઇફોઇડનો 1, કમળાનાં 2 અને ડેંગ્યુનો વધુ 1 કેસ નોંધાયો પ્રાપ્ત વિગત મુજબ, છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,829 કેસ નોંધાયા હતા, જેમાં શરદી-ઉધરસનાં 752 કેસ, ઝાડા-ઊલટીનાં 225 કેસ, સામાન્ય તાવનાં 848 કેસ નોંધાયા છે. સતત 25માં સપ્તાહે પણ જોખમી એવા ટાઇફોઇડ તાવનો 1 અને કમળાનાં પણ વધુ 2 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનો 1 કેસ નોંધાયો હતો. જ્યારે ચિકનગુનિયાનો કોઈ કેસ નોંધાયો નથી. જોકે આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો 9,000 કરતા પણ વધુ હોવાની શક્યતા છે.

કમળા અને ટાઇફોઇડના કેસ છૂટાછવાયા વિસ્તારોમાં નોંધાયાઃ ડો. જયેશ વાંકાણી મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલ વરસાદની ઋતુ ઉપરાંત પાણીમાં મોટા ભાગે કન્ટામિનેશનની ફરિયાદો આવતી હોય છે. ઉપરાંત જોવા જઈએ તો હિપેટાઇટિસ એટલે કે કમળા કેસ ઉપરાંત ટાઇફોઇડના કેસ છૂટાછવાયા વિસ્તારોમાં અમુક નોંધાઈ રહ્યા છે. હાલ કન્ટામિનેશનની પાણીની ફરિયાદો આવી રહી છે તે વિસ્તારોમાં છૂટાછવાયા કેસ નોંધાતા હોય છે. અમારી ટીમ દ્વારા દૈનિક દરેક કેસનું ટ્રેકિંગ કરે છે. ખાસ કરીને પીડીયુ મેડિકલ કોલેજની ખાસ ટીમની મદદથી પણ આ બાબતે કારણો અંગેની ચર્ચા-વિચારણા કરીને સચોટ માર્ગદર્શન મેળવવામાં આવે છે અને એનુંસંધાને કાર્યવાહી હાલ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *