અભ્યાસની સાથે ખેલકૂદ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને વોકેશનલ ટ્રેનિંગ જરૂરી

રાજ્યમાં સર્વગ્રાહી શિક્ષણ મૂલ્યાંકન માટે રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીનો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરાયો હતો. રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં 360 ડિગ્રી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીએ પોતાના તારણોનો ભલામણ અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં અભ્યાસની સાથે ખેલકૂદ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વોકેશનલ ટ્રેનિંગ જેવી બાબતો સામેલ કરી છે.

દેશમાં અમલી થયેલી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ સર્વગ્રાહી શિક્ષણ મૂલ્યાંકન માટેની ભલામણ કરવામાં આવેલી છે. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ્ય વૈશ્વિક કક્ષાનું માનવબળ તૈયાર કરવા માટે સર્વાંગી વિકાસને આવા સર્વગ્રાહી શિક્ષણથી પ્રોત્સાહન આપવાનો છે.

આ હેતુસર વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે ખેલકૂદ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વોકેશનલ ટ્રેનિંગ જેવી બાબતો માટેના સર્વગ્રાહી શૈક્ષણિક અભિગમ દ્વારા ભાવાત્મક અને બૌદ્ધિક ક્ષમતા વર્ધનની ભલામણો રાજ્યમાં સર્વગ્રાહી શિક્ષણ મૂલ્યાંકન માટેની આ ટાસ્ક ફોર્સ કમિટીએ પોતાના અહેવાલમાં કરી છે. કમિટીના અધ્યક્ષ જયેન્દ્રસિંહ જાદવ અને સભ્યોએ આ ભલામણ અહેવાલ મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો. હવે, રાજ્ય સરકાર અહેવાલનો અભ્યાસ કરીને ઉચિત કાર્યવાહી કરશે.

મુખ્યમંત્રીને ટાસ્ક ફોર્સ કમિટીના અહેવાલ અર્પણ વેળાએ શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડીંડોર, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ.હસમુખ અઢિયા, શિક્ષણ અગ્રસચિવ મુકેશકુમાર અને મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ અવંતિકા સિંઘ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારે રચેલી કમિટીએ તાજેતરમાં જ અહેવાલ મુખ્યમંત્રીને આપ્યો છે. આગામી દિવસોમાં આ અહેવાલ અંગે વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ તેને લાગું કરવાની દિશામાં નિર્ણય લેવાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *