આટકોટ કૈલાસનગર વિસ્તારોમાં અક્ષર ફિડરમાં દીવસમાં દસ વાર લાઈટ ગુલ થઈ જાય છે રાત્રે પણ ગમે ત્યારે વીજ પુરવઠો ગુલ થઈ જતો હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બનાવની વધુ જાણવા મળતી માહિતી અનુસાર આટકોટના કૈલાસનગરમાં આવેલા અક્ષર ફિડરમાં દિવસમાં અનેક વાર લાઇટ ગૂલ થઇ જતી હોવાથી લોકોએ પીજીવીસીએલ દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે.
વરસાદી માહોલ છે પરંતુ ગરમી અને અકળામણ તો ખરી જ એવામાં મોટી ઉંમરના વડીલો અને બાળકોની હાલત દયનીય બની જવા પામી છે. ઉદ્યોગ, ધંધા રોજગાર પર પણ અસર થઇ રહી છે. આટકોટ કૈલાસનગરમાં ગમે ત્યારે અચાનક જ લો વોલ્ટેજ થઇ જવાની ઘટનાઓ પણ નવી નથી
. રાત્રે પણ ગમે ત્યારે ફોલ્ટનાં નામે લાઈટો ગુલ કરી દેવામાં આવતાં લોકોને અંધારામાં ફાંફાં મારવાં પડે છે. ત્યારે આટકોટને અલગ ફિડર આપવાની સ્થાનિકોએ માગણી કરી છે. અક્ષર ફિડરમાં આટકોટ, કૈલાસનગર, પાંચવડા, જસાપરનો સમાવેશ થાય છે અને જ્યારે લાઇટ ગૂલ થાય ત્યારે બધે જ એકસાથે જતી રહે છે અને કલાકો બાદ જ આવે છે. આથી લોકો હવે તો ગળે આવી ગયા છે અને પીજીવીસીએલની કચેરી ખાતે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.