રાજકોટ-ગોંડલ વચ્ચે રીબડા ટોલનાકા પાસે સંચાલકોની બેદરકારીને કારણે ટ્રાફિકજામ સર્જાતા રવિવારે રાત્રે હજારો વાહનચાલકો 3-3 કલાક સુધી ફસાયા હતા અને ભારે હાલાકી અનુભવી પડી હતી. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સત્તાધીશોની અણઆવડત અને રીબડા ટોલ પ્લાઝા પર સંચાલકોની અણઘડતાને પરિણામે રવિવારે રાત્રે બન્ને બાજુ 5-5 કિ.મી. સુધી વાહનોની કતાર લાગી હતી અને હજારો વાહનચાલકો ભૂખ્યા-તરસ્યા પરિવારો સાથે હાઇવે પર ફસાયા હતા.
મોડીરાત સુધી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જિલ્લા પોલીસ તંત્રે કોઇ કાર્યવાહી ન કરતાં ભારે દેકારો બોલી ગયો હતો. રાજકોટ-જેતપુર વચ્ચેની સિક્સલેનની કામગીરીને કારણે છેલ્લા ઘણા માસથી વાહનચાલકો હેરાન થતાં હોવાની ફરિયાદો ઊઠે છે તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત થયેલા ડો.ઓમ પ્રકાશને પણ આ બાબતે કડવો અનુભવ થતાં તેઓને વાહનચાલકોની હેરાનગતિનો ખ્યાલ આવ્યો હતો અને તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ આ પ્રશ્નનો નિવેડો લાવવા એન્જિનિયરને સાથે રાખી સરવે કરવા અને વાહનચાલકોને ઓછામાં ઓછી હેરાનગતિ થાય તેવા પગલાં ભરવા જાહેરાત કરી હતી.
ત્યારબાદ પણ આજદિન સુધી રાજકોટ-ગોંડલ હાઇવે પર વાહનચાલકોની હેરાનગતિ અને ટ્રાફિકજામની સમસ્યા યથાવત્ રહી હતી અને રવિવારે તો એનએચએઆઇ અને રીબડા ટોલ સંચાલકોની અણઆવડતને કારણે હાઇવે પર બન્ને બાજુ 5-5 કિ.મી. સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા અને ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી. અધૂરામાં પૂરું 3-3 કલાક સુધી વાહનચાલકો નીકળી શકે તેવી સ્થિતિ ન હોવા છતાં જિલ્લા પોલીસની ટ્રાફિક શાખા અને નેશનલ હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ મોડે સુધી દેખાયા ન હોવાનું ભોગ બનનારાઓએ જણાવ્યું હતું. આ ટ્રાફિકજામમાં બે એમ્બ્યુલન્સ પણ ફસાતા દર્દીઓના જીવ પર જોખમ ઊભું થયું હતું.