‘તમે મરજી મુજબ કાયદા બનાવો છો’ કહી પોલીસની ફરજમાં રૂકાવટ

શહેરમાં કાલાવડ રોડ પર સ્વામિનાયણ મંદિર સામે નાસ્તાની લારી સાઇડમાં લેવાનું કહેતા પિતા, પુત્રએ માથાકૂટ કરી પોલીસ સાથે ફરજમાં રૂકાવટ કરતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. માલવિયાનગર પોલીસે રાત્રીના પેટ્રોલિંગ દરમિયાન કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે ગોલા અને નાસ્તાની લારી મોડીરાત સુધી ચાલુ રાખી હોય અને લારી પર આવતા ગ્રાહકોએ વાહનો રોડ પર રાખ્યા હોય જેથી લારીવાળાને આવતા ગ્રાહકોને સાઇડમાં વાહનો પાર્ક કરવાનું કહેતા ગોલાવાળાએ કહ્યું કે, અડધી રાતના તમને વાહનો ક્યા નડે છે. તમે પોલીસ પોતાની મરજી મુજબ કાયદા બનાવી અમને હેરાન કરો છો તેમ કહી જોરજોરથી રાડો પાડવા લાગ્યો હતો.

દરમિયાન પોલીસે શાંતિથી વાત કરવાનુ કહેતા તેની સાથે નાસ્તાની લારીધારકે પણ જોરજોરથી રાડો પાડી કહેવા લાગ્યો કે, ગ્રાહકોના વાહનો અહી જ રોડ પર પાર્ક થશે, જુઓ આ પોલીસનો ત્રાસ, અમને ખોટી રીતે હેરાન કરે છે તેમ કહી ધમાલ મચાવી હતી. પોલીસે બન્નેની અટકાયત કરી તેની પૂછતાછ કરતા તે બળવંત ઘનશ્યામ રાજા (ઉ.50) અને નાસ્તાની લારી ધરાવતો તેનો પુત્ર રૂપેશ બળવંત રાજા (ઉ.25) હોવાનું જણાવતા પોલીસમેન ભાવેશભાઇ ગઢવીની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસમાં બન્ને આરોપીઓ સામે ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *