જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો સૂત્રને સાર્થક કરનાર યાત્રાધામ વીરપુરના સંત જલારામબાપા વિશે અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેને લઈને સમગ્ર રઘુવંશી સમાજમાં અને જલારામબાપાના ભક્તોમાં રોષ ફેલાયો છે. તેમજ જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામબાપાની જગ્યામાં આવી માફી માગે તેવી ભાવિકોએ માંગ કરી છે. આ અંગે સવારે અગિયાર વાગ્યે વીરપુર ગ્રામપંચાયત કચેરી ખાતે બેઠક યોજી રણનીતિ નક્કી કરશે. જેમાં વીરપુરના તમામ જ્ઞાતિના આગેવાનો, વેપારીઓ, સંસ્થાઓના આગેવાનો સહિત તમામ લોકો ઉપસ્થિત રહેશે.
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સુરતના અમરોલીના સ્વામી જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામબાપા મુદ્દે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, જલારામબાપાનો ઇતિહાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે, સાથે જલારામબાપા એ ગુણાતીતાનંદ સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હોવાનો દાવો કર્યો હતો તેમજ જલારામબાપાએ સ્વામી ગુણાતીતાનંદ પાસે સદાવ્રત કાયમી માટે ચાલે તેવા આશીર્વાદ આપ્યા હોવાનું કહ્યું હતું અને કાયમી માટે ભંડાર ભરેલો રહેશે તેવા આશીર્વાદ ગુણાતીતાનંદ સ્વામીએ આપ્યા હોવાનું નિવેદન કર્યું હતું સાથે જલારામબાપાએ સ્વામી ગુણાતીતાનંદ જ્યારે વીરપુર આવ્યા ત્યારે દાળ અને બાટી જમાડ્યા હતા અને જલારામબાપા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યાને સેવા કરી હોવાનું નિવેદન કરતાં હાલ જલારામબાપાના ભક્તો સાથે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ સાથે રોષ ફેલાયો છે. તેમજ જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરેલી ટિપ્પણીને ભાવિકોએ વખોડી કાઢી હતી અને જલારામબાપાના ઇતિહાસ વિશે આવી ટિપ્પણી ન કરવી જોઈએ સાથે સ્વામી પાસે કોઈ આવું સાહિત્ય હોય તો વીરપુર લઈને આવે તેમ જણાવ્યું હતું.