રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર સનસિટીની સામે નિલકમલ પાર્ક-4માં આવેલા સ્વામીસ રેસ્ટોરન્ટ એન્ડ કેટરર્સમાં અને યુનિવર્સિટી રોડ પર મહાજનવાડી બિલ્ડિંગ ખાતે આવેલા અંશ દોશી ફાસ્ટ ફૂડમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ સર્વેલન્સ ચેકિંગ કરતા 17 કિલો અખાદ્ય વાસી જથ્થો મળી આવતા તેનો સ્થળ પર નાશ કરાયો હતો અને રૈયા ચોકમાં વેસ્ટ ગેટના પ્રથમ માળે આવેલા બાલાજી થાળને હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન “સ્વામી’સ રેસ્ટોરેન્ટ એન્ડ કેટરર્સ’ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ 08 કિ.ગ્રા. દહીં તથા 04 કિ.ગ્રા. નૂડલ્સ, ચટણી વગેરે પ્રિપેર્ડ ફૂડ મળીને કુલ 12 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. તેમજ સ્થળ પરથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ “મૈસૂર ઢોસાનો મસાલો (પ્રિપેર્ડ-લૂઝ)’ નમૂનો લેવામાં આવ્યો હતો.