રાજકોટના કાલાવડ રોડ પર મેટોડામાં વ્યાજખોરો બેફામ બન્યા છે. હેર સલૂન ચલાવતા મેહુલ ભટ્ટીએ પોતાના પિતાની સારવાર માટે રાહુલ અને તેના ભાઈ મનીયા બાબુતર પાસેથી રૂ. 50 હજાર વ્યાજે લીધા હતા. જેની સામે 48 ટકા જેટલું જંગી વ્યાજ વસુલ કરી દુકાનમાંથી બધો સામાન ભરી જઈ દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપતા મેટોડા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી મેહુલ રાજેશભાઇ ભટ્ટી (ઉ.વ.25)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મેટોડા જી.આઈ.ડી.સી. ગેઇટ નં.3માં આવેલા સહયોગ કોમ્પલેક્ષમાં ચેમ્પિયન હેર આર્ટના નામે સલુન ચલાવી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. મારા પિતા રાજેશભાઇ મેટોડાથી રાજકોટ ભાડાની રીક્ષા ચલાવે છે. મારા માતા રેખાબેન અદાણી મસાલા કંપનીમાં મજુરી કામ કરે છે. મારાથી નાનો ભાઈ અજય મારી સાથે સલુનમાં મદદ કરે છે. આજથી 3 મહિના પહેલા મારા પિતા બીમાર પડતા તેઓની રાજકોટની આરાધના હોસ્પિટલમાં સારવાર કરાવેલી અને આ દવાખાનામાં મારે રૂ.25,000ની જરૂરિયાત હોવાથી મારી સલુનની દુકાનની બાજુમાં ચાનો ધંધો કરતા રાહુલને પૈસાની જરૂરિયાત બાબતે વાત કરેલી તો તેણે મને કહેલું કે, હું તને રૂ.25,000 આપુ પણ એ માટે તારે રોજના રૂ. 400 એમ મહિનાના રૂ. 12,000 વ્યાજ આપવું પડશે.