સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના શૈક્ષણિક સત્ર 2024-25માં દેશમાં 7.90 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 9 અને 10માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિષય પસંદ કર્યો હતો. ધોરણ 11 અને 12ના લગભગ 50,343 વિદ્યાર્થીઓ આ વિષય સાથે જોડાયેલા હતા. વર્ષ 2019થી CBSEએ તેના અભ્યાસક્રમમાં AI નો સમાવેશ કર્યો હતો. નવમા અને દસમા ધોરણની લગભગ 4538 શાળાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિષય ભણાવવામાં આવે છે. એવી જ રીતે ઉચ્ચત્તર માધ્યમિક સ્તરે 944 શાળાઓમાં એઆઈનો વિષય ભણાવવામાં આવે છે.
ગુજરાતના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ શિક્ષણ બોર્ડમાં AI અભ્યાસક્રમ અંગે લોકસભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી જયંત ચૌધરીએ જવાબ આપતા મહત્વની વિગતો સામે આવી છે. લોકસભામાં માહિતી અપાઈ હતી કે, CBSE બોર્ડે 2019માં તેની સંલગ્ન શાળાઓમાં ‘’એઆઈ’’ કોર્સ શરૂ કર્યો હતો જેથી વિદ્યાર્થીઓમાં તેની એપ્લિકેશનને સમજવા અને તેની સરાહના કરવાની ક્ષમતા વિકસાવવામાં આવે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, CBSE સાથે સંલગ્ન 30,373 શાળાઓમાંથી 29,719 શાળાઓમાં CBSE એફિલિએશન પેટા-નિયમો મુજબ IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.