મોજશોખના પૈસા પડાવવા નકલી પોલીસ બન્યા

રાજકોટ શહેરમાં નકલી પોલીસ બની યુવાનોને ધમકાવી ખંડણી વસૂલવાનો પ્રયાસ કરનાર બે શખ્સોને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પોલીસની ઓળખ આપી ચાર યુવાનો પાસેથી 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જોકે યુવાનોને શંકા જતાં બંનેની પોલ ખુલ્લી પડી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

બંને શખ્સોએ મોજશોખ માટે પૈસાની જરૂરિયાત હોવાથી નકલી પોલીસ બની લોકોને ડરાવી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અગાઉ આ બંનેએ નકલી પોલીસ બની કોઈ પાસેથી પૈસાની વસૂલાત કરી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઇન્ચાર્જ એસીપી પશ્ચિમ રાજેશ બારીયાએ જણાવ્યું હતું કે, શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામકાજ સાથે સંકળાયેલા કિરીટ પીઠડીયાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આર્યન ફળદુ અને પરમરાજ માંજરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ 12 જૂનની રાત્રે કિરીટ પોતાના ત્રણ મિત્રો સાથે રૈયાધાર શાંતિનગર વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બેઠા હતા, ત્યારે બ્લુ કલરની ઓલા ઇલેક્ટ્રિક બાઈક પર આવેલા બે શખ્સોએ પોતાને માલવીયા પોલીસ સ્ટેશનના કર્મચારી તરીકે ઓળખાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *