રાજકોટ શહેરની સબ રજીસ્ટ્રાર કચેરી-ઝોન 1માં કોન્ટ્રાક્ટ બેઝથી નોકરી કરતાં કર્મચારીએ અગાઉ નોકરી કરી ચૂકેલા શખસે અન્ય બે શખ્સો સાથે મળી પૂર્વયોજીત કાવતરું રચી કચેરીના કોમ્પ્યુટરમાં રહેલા હસ્તલેખિત 1956થી 1972ની સાલના 17 દસ્તાવેજોમાં છેડછાડ કરી ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યા ગુનામાં પ્રધ્યુમનનગર પોલીસે આરોપી જયદિપ ઝાલાની ધરપકડ કરી આજે કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરતા કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જેને રિમાન્ડ પર લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બનાવટી પુરાવા કરનાર સામે પણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડની તપાસમાં ડીસીપીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે.
રાજકોટ સબ રજીસ્ટર ઝોન-1 માં સબ રજીસ્ટર તરીકે ફરજ બજાવતાં અતુલભાઈ મધુભાઈ દેસાઈએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હર્ષ સાહલીયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન ડી ચાવડાનું નામ આપતાં પ્રદ્યુમનનગર પોલીસે આઈપીસી 420, 464, 467, 468 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જયદીપ ઝાલાની ધરપકડ કરી અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે. ગત તા. 24/10/2024ના રોજ રૈયાના સર્વે નં. 277/1 પ્લોટના નં. 42ના ગામ નમૂના નં. 2 નોંધ રદ કરવાના કામે કાગળ મળેલ હતો. જે નોંધની તપાસ કરતાં સ્કેનિંગ વાળા દસ્તાવેજ અને 1972ના ખરા દસ્તાવેજમાં વિસંગતા જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં પોલીસે જયદીપ ઝાલાને પકડી પાડી સઘન પુછતાછ હાથ ધરવામાં આવી હતી.