જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંતના નિધન બાદ ચાદર વિધિ સહિતના મુદ્દે અનેક વિવાદો શરૂ થયા છે. ભાજપના નેતાઓ અને સનદી અધિકારીઓને કરોડો રૂપિયા અપાયાના પણ આક્ષેપ થયા હતા ત્યારે જૂના અખાડાના પત્રના માધ્યમથી જે શંકાસ્પદ નિવેદનો થયા તેની સામે હવે અખિલ ભારતીય અખાડા પરિષદે ઝંપલાવ્યું છે અને ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા મા મનસાદેવી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત રવીન્દ્રપુરી મહારાજે જૂનાગઢના કલેક્ટર તેમજ એસપીને પત્ર પાઠવી કરોડો રૂપિયા અપાયાનું નિવેદન કરનાર ભૂતનાથ મહાદેવ મંદિરના મહેશગીરી સામે પોલીસ ફરિયાદ નોંધાવી તેઓને જૂનાગઢમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે.
રવીન્દ્રપુરી મહારાજે કલેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, દેશના લાખો સાધુ-સંતોનુ નેતૃત્વ કરતા અખિલ ભારતીય અખાડા પરિષદમાં મહામંત્રી તેમજ જૂના અખાડાના મુખ્ય સંરક્ષક પૂજ્ય મહંત હરિગીરીજી મહારાજ વિરુદ્ધ એક કથિત સાધુ મહેશગીરી દ્વારા બનાવટી પત્રના આધારે તેમને બદનામ કરવાનું કૃત્ય કરાયું છે. સમગ્ર દેશના સાધુ સમાજમાં પૂજ્ય હરિગીરીથી બધા જ સંતો પરિચિત છે તેઓ હંમેશા સનાતન ધર્મના રક્ષણ અને ધાર્મિક માન્યતાઓનું પાલન કરનાર સર્વસામાન્ય સંત છે. આવા પૂજ્ય સંતને લઈને મર્યાદાહીન ભાષાનો ઉપયોગ કરી કથિત સાધુ મહેશગીરી પિતા વિશ્વનાથ વૈશ્ય નિવાસી નાસિક મહારાષ્ટ્ર વિરુદ્ધ એફઆઈઆર નોંધી કાયદેસરની તેમજ દંડનાત્મક કાર્યવાહી થવી જોઈએ.
અખિલ ભારતીય અખાડા પરિષદના સમસ્ત સંત માંગ કરે છે કે પાછલા કેટલાક દિવસોથી મહેશગીરી દ્વારા જે પણ ભ્રમ જૂનાગઢમાં ફેલાવાયો છે તે ધાર્મિક વૈમનસ્ય વધારનારું તેમજ ગુજરાત સરકારને બદનામ કરવાનું કૃત્ય છે. આવી કોઇપણ વ્યક્તિ પર જૂનાગઢમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી તેમના પર દંડનાત્મક કાર્યવાહી કરવી જોઈએ.