સાંસદે સાડા ત્રણ કલાક અધિકારીઓના ક્લાસ લીધા, ખોટી દિશા ન દેખાડવા તાકીદ

રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા)ની બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં અમુક સરકારી અધિકારીઓ અપૂરતી માહિતી અને અધૂરા ડેટા સાથે આવતા સાંસદે પૂરતી વિગતો રજૂ કરવા સૂચના આપી હતી. તેમજ ગરીબો સુધી 70 જેટલી સરકારી યોજનાનો લાભ પહોંચે તે દિશામાં કામ કરવા તાકીદ કરી હતી.

આ બેઠકમાં જણાવાયું હતું કે, નાણાકીય વર્ષ 2024-25ના ઓક્ટોબર માસ સુધીમાં મનરેગા અંતર્ગત રાજકોટ જિલ્લામાં 2.16 લાખ માનવ કલાકો ઉત્પન્ન થયા છે તથા રૂ.663 લાખનો ખર્ચ થયેલો છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 466.23 લાખનો ખર્ચ થયેલો છે, તેમજ 355 સ્વસહાય જૂથોની રચના કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ 182 આવાસને મંજૂરી અપાઈ ગઈ છે અને 155 લાભાર્થીને પ્રથમ હપ્તો પણ ચૂકવાઈ ગયો છે. ઉપરાંત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ વિવિધ કામો માટે રૂ.395 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ વિવિધ કામો માટે રૂ.456 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. રૂરલ સેલ્ફ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ વર્ષે 663 યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *