મગફળી અને કપાસમાં નવી આવક શરૂ થઇ ગઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે આવતા હાલ મગફળી અને કપાસથી યાર્ડ છલકાઇ ગયું છે. નવી આવક શરૂ થતા ઘરઆંગણે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો આવ્યો છે. બુધવારે સિંગતેલમાં ડબ્બે રૂ.20નો ઘટાડો આવ્યો છે અને કપાસિયા તેલમાં રૂ.15નો ઘટાડો થયો છે. સિંગતેલમાં ભાવ ઘટ્યા બાદ ડબ્બાનો ભાવ રૂ.2570નો રહ્યો છે. જોકે અન્ય સાઇડ તેલના ભાવ સ્થિર રહ્યા છે.
વેપારીઓના જણાવ્યાનુસાર મગફળીની આવક શરૂ થવાને કારણે હાલમાં ઓઈલમિલમાં પિલાણ શરૂ થઈ ગયું છે. જોકે લગ્ન સિઝન હોવાને કારણે બજારમાં ખાદ્યતેલની ખરીદી પણ શરૂ થઇ ગઇ છે. આ ખરીદી હજુ જાન્યુઆરી મહિના સુધી ચાલુ રહેશેે. મુખ્ય તેલની સાથે સાથે સાઈડ તેલમાં પણ ડિમાન્ડ યથાવત્ છે. કપાસિયા તેલમાં ભાવઘટાડો થયા બાદ ડબ્બાનો ભાવ રૂ.2280એ પહોંચ્યો છે. જોકે સિંગતેલ લૂઝ અને કપાસિયા વોશમાં સામાન્ય ટેન્કરના કામકાજ જોવા મળ્યા હતા. સાઇડ તેલમાં હાલમાં સૌથી ઉંચા ભાવ કોપરેલ તેલના રૂ.3100 છે.