શહેરની ભાગોળે આવેલી પોલિટેક્નિક કોલેજમાં ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર સાથી છાત્રએ છરીથી હુમલો કર્યો હતો, એટલું જ નહીં છરીનો ઘા ઝીંક્યા બાદ ધમકી પણ આપી હતી કે, બચી જઇશ તો ફરીથી મારીશ, હુમલામાં ઘવાયેલા વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડાયો હતો. ખંભાળિયાના ભરાણા ગામનો વતની અને રાજકોટમાં લોહાણા બોર્ડિંગમાં રહી પોલિટેક્નિક કોલેજમાં સેમેેસ્ટર-1માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી 18 વર્ષના યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
યુવક પર તેના જ સાથી છાત્રએ છરીથી હુમલો કર્યાની જાણ થતાં થોરાળા પોલીસની ટીમ દોડી ગઇ હતી. પોલીસે ગુનો નોંધી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.18 વર્ષના યુવકે આ મામલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તથા તેનો મિત્ર પોલિટેક્નિક કોલેજમાં હતા અને એક વાગ્યે રીસેસ પડી ત્યારે બંને મિત્ર મજાક મશ્કરી કરતા હતા તે વખતે આ યુવકના ક્લાસમાં જ અભ્યાસ કરતો છાત્ર આવ્યો હતો અને ‘તમે શું ઠઠ્ઠા-મશ્કરી કરો છો’ તેમ કહી માથાકૂટ શરૂ કરી હતી. વિદ્યાર્થીઅે અમે મજાક કરી તેમાં તને શંુ વાંધો છે તેમ કહેતાં જ સાથી છાત્ર ઉશ્કેરાયો હતો અને તેણે આ 18 વર્ષના વિદ્યાર્થીને ધક્કો મારી પછાડી દીધો હતો.