દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન. આમ તો તેના કન્યાદાનનો અવસર પણ અશ્વમેધ યજ્ઞ સમાન છે ત્યારે રાજકોટના શાપર વેરાવળના ઉદ્યોગપતિએ દીકરીના લગ્ન પ્રસંગે અનોખું સેવા કાર્ય કર્યું છે. તેમણે હજારો લોકોને નવી દૃષ્ટિ આપવાનો સંકલ્પ કર્યો છે. વર્ષ દરમિયાન દીકરીના જન્મદિવસથી લઈને મહત્વની તારીખોએ તેમના દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવે છે પરંતુ, આ વખતે તેમની દીકરીના લગ્નનો મોટો પ્રસંગ હતો. જેથી, તેમના દ્વારા રણછોડદાસ બાપુ આશ્રમ ખાતે 293 દર્દીઓને નેત્રમણી બેસાડી તેમના જીવનમાં ઉજાસ પાથર્યો છે.
રવિવારે ઉદ્યોગપતિની નાની દીકરી જાનવીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા, તે પહેલા કન્યાદાનના અવસર પહેલા સમાજ માટે કોઈ સેવાકાર્ય થાય તેવો લાલજીભાઈ બારસિયા અને તેમના પરિવારનો સંકલ્પ હતો. તેઓઅ જણાવ્યું હતું કે, સમાજના એક જવાબદાર નાગરિક તરીકે આપણી ખુશી સમાજમાં અન્ય લોકો સાથે પણ વહેંચી શકાય એવા પ્રયાસરૂપે અમારી લાડલી દીકરી જાનવીનો લગ્ન પ્રસંગ ધામધૂમ ઉજવાય તો સાથે સામાજિક કાર્ય પણ થાય તે માટે અમે પરિવાર નિર્ધાર કરેલો હતો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપ સેવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે, જેમાં રણછોડદાસ આશ્રમ ખાતે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર હાજર રહેલા હતા.