રાજકોટની હનુમાન મઢી નજીક 900 જેટલા વેપારીનો આક્રોશ

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આડેધડ દંડ ફટકારવામાં આવી રહ્યો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હનુમાન મઢી ચોકથી રૈયા ચોકડીનાં વેપારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, ગ્રાહક રૂ 200ની વસ્તુ લેવા આવે ને રૂ. 500નો દંડ ભરે છે. અમારા વાહનો પણ અવારનવાર દંડાય છે. આજે રાજકોટની હનુમાન મઢી નજીક વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આ મુદ્દે વેપારીઓએ અડધો દિવસનો બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો તેમજ પદયાત્રા કરી પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.

વેપારી એસોસિએશનનાં પ્રમુખ જયેશ રાયચુરાએ આ અંગે જણાવ્યું હતું કે, રૈયારોડ ઉપર દુકાન સામે પાર્કિંગ અંગેના પ્રશ્નોને લઈ અગાઉ પાર્કિંગ માટેના પીળા પટ્ટા મારી જગ્યા નિશ્ચિત કરવામાં આવી હતી. જોકે હાલમાં આ પટ્ટા ભૂંસાઈ જતા ગ્રાહકો અને વેપારીઓ આડેધડ દંડાઈ રહ્યા છે. રૂ. 100-200ની વસ્તુ લેવા આવેલ ગ્રાહકે રૂ. 500-700 દંડ ભરવો પડી રહ્યો છે. જેને લઈ વેપાર-ધંધા ખોરવાઈ જવાની દેહશત છે. આ સમસ્યા આખા રાજકોટની છે પણ ખાસ હનુમાન મઢીથી લઈ રૈયા ચોકડીનાં 900 જેટલા વેપારીઓની હાલત કફોડી બની છે. આ મામલે આજે વેપારીઓ દ્વારા બંધ પાળી પદયાત્રા કરીને પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવશે. આ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવામાં આવે તેવી અમારી માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *