વીજ સંબંધિત સમસ્યા માટે હવે ગ્રાહકોએ કચેરીના ધક્કા નહીં ખાવા પડે કારણ કે, પીજીવીસીએલ સહિત રાજ્યની ચારેય વીજકંપનીમાં ફરિયાદ માટે સિંગલ વિન્ડો પોર્ટલ શરૂ કરાયું છે. ગ્રાહકો હવે તેમની વીજ સંબંધિત ફરિયાદો નોંધાવવા કે તેની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ઓનલાઈન CGRF ફરિયાદ પોર્ટલ (E-CGRF) નો ઉપયોગ કરી શકે છે. જેમાં વીજગ્રાહકો જુદી જુદી ફરિયાદો દાખલ કરવાની સાથે સાથે તે ફરિયાદનું નિરાકરણ આવ્યું કે નહીં તેનું ટ્રેકિંગ પણ કરી શકશે. ઓનલાઈન ફરિયાદ કરવા માટેની પ્રક્રિયાને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે ‘સિંગલ ઓનલાઈન પોર્ટલ ઈ-CGRF’ શરૂ કરાયું છે.
આ પોર્ટલ દ્વારા ગ્રાહકો ગુજરાત વીજ નિયમન આયોગના ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ અંતર્ગત સમાવિષ્ટ કરેલી સેવા અંગે ઓનલાઈન ફરિયાદ કરી શકશે. ઓનલાઈન પોર્ટલ થકી કોઈપણ સમયે ફરિયાદ નોંધાવી શકશે અને ઓટો જનરેટેડ ફરિયાદ નંબર અને પોતાની ફરિયાદના ટ્રેકિંગ થકી પારદર્શિતામાં વધારો થશે.