આટકોટમાં તાવ, ડેન્ગ્યુનો વધતો કહેર, 20 દર્દીની રાજકોટ સારવાર

મિશ્ર ઋતુને લીધે ઘરે ઘરે શરદી, ઉધરસના કેસ વધ્યા ભાસ્કર ન્યૂઝ | આટકોટ આટકોટમાં ડેન્ગ્યુ, ચીકનગુનિયા અને તાવનો કહેર વધ્યો છે અને મિશ્ર ઋતુ ચાલતી હોવાથી શરદી, ઉધરસ, સામન્ય તાવ, ફ્લુના કેસ ઘરે ઘરે જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં 20 જેટલા દર્દીઓએ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું પણ સામે આવ્યું છે જેના પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. રોગચાળાને ઉગતો જ ડામવા દવા છંટકાવ અને ફોગિંગ કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે. આટકોટ ગામે ડેન્ગ્યુ, તાવ, શરદી, ઉધરસ જેવી સિઝનલ બીમારીના ઘરે ઘરે ખાટલા ખડકાયા છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કે ફોગિંગ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.

હાલમાં મિક્સ ઋતુ ચાલી રહી હોય બપોરે ઉનાળા જેવો માહોલ અને સાંજે ઠંડીનો માહોલ ત્યારે ડેન્ગ્યુ દેખા દેતા લોકોમાં ગભરાહટ ફેલાયો છે. ઘણા લોકો ખાનગી દવાખાને સારવાર લઈ રહ્યા છે.20 જેટલા દર્દીઓએ રાજકોટ સારવાર લેવી પડી હોવાનું સામે આવતાં આટકોટમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઘરે ઘરે ચેકિંગ કરી લોકોને સમજાવ્યા હતા અને ખુલ્લા પાણીમાં ડેંગ્યુ અને ચિકનગુનિયાના મચ્છરો પનપતા હોવાથી આનાથી બચવા સલાહ આપી હતી. બીજી તરફ લોકોએ પણ માગણી કરી હતી કે અનેક સ્થળે ગટરના પાણી ઉભરાતા રહેતા હોઇ ગંદકી અને રોગચાળો ફેલાય છે,આથી તે હટાવી લેવામાં આવે અને ઘરે ઘરે દવાનો છંટકાવ કરવામાં આવે. હજુ પણ થોડા દિવસ તાપમાન વધુ નીચે ઉતરે અને ઠંડી બોકાસો બોલાવે તેવા દિવસો હજુ દુર છે આથી મિશ્ર ઋતુ જ અનુભવાશે. આથી રોગચાળો વધુ વકરે તે પછી જાગવાને બદલે તંત્ર પગલાં લે તે ઇચ્છનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *