રાજકોટમાં દિવાળીના તહેવારમાં ટેક્સચોરી પકડવા માટે આઈટી અને જીએસટીની ટીમે કમર કસી છે. ગુરુવારે મોરબીમાં ક્રેડા કંપનીમાં તેમજ ઉપલાકાંઠે ચાંદીના 5 વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી જેના બીજા જ દિવસે રાજકોટમાં ભવાની કન્સ્ટ્રકશન કંપનીને ત્યાં પણ આઈટીની ટીડીએસ ટીમે સર્વે હાથ ધર્યો છે. કંપનીએ રૂ.50 લાખનો ચૂકવવાપાત્ર ટેક્સ નહિ ભર્યો હોવાથી આ તપાસ હાથ ધરવામાં આવી છે.
દિવાળીના તહેવાર દરમિયાન જ આઈટીને જીએસટીની ટીમે તપાસ હાથ ધરતા વેપારીઓમાં અને કરદાતાઓમાં કચવાટ ફેલાયો છે. શુક્રવારે કાલાવડ રોડ પર આવેલા ભવાની કન્સ્ટ્રક્શન પર ટીડીએસની ટીમે ટેક્સની વસૂલાત માટે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તબક્કે જ કંપનીએ રૂ. 25,00,000નો ટેક્સ ચૂકવવા માટે તૈયારી બતાવી હતી. જ્યારે બાકી રકમનો ટેક્સ બીજા તબક્કામાં ચૂકવવામાં આવશે.