રાજકોટ LCBએ ત્રણ વર્ષથી ફરાર બે આરોપીઓને પકડ્યા

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે ઉપલેટા પોલીસને સોંપવામાં આવ્યા છે.

આ ગુનો ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ કેસમાં લાલશાહીથી ચાર્જશીટમાં ફરાર જાહેર કરાયેલા આરોપીઓ સરમ ઉર્ફે સારમ જામસિંગ શિંગાળ અને બબલુ જામસિંગ શિંગાળનો સમાવેશ થાય છે. બંને મૂળ ચામઝર ગામ, નરવાળી ફળીયુ, તા. કુકસી, જી. ધાર, મધ્યપ્રદેશના રહેવાસી છે.

LCBને ચોક્કસ બાતમી મળી હતી કે આ બંને આરોપીઓ મુંબઈના બોઈસર શાકમાર્કેટ ખાતે છે. આ માહિતીના આધારે તપાસ કરતા બંને આરોપીઓ મળી આવ્યા હતા. તેમની સહમતીથી તેમને ઉપલેટા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.

પૂછપરછ દરમિયાન, આરોપીઓએ કબૂલ્યું હતું કે તેમણે 2023માં ઉપલેટા ખાતે એક મકાનમાંથી સોનાના દાગીના, રોકડ રકમ અને પાર્કિંગમાંથી બે મોટરસાયકલની ચોરી તેમના સાગરીતો સાથે મળીને કરી હતી. આ ગુનો કર્યા બાદ તેઓ ફરાર હતા. ત્યારબાદ બંનેને ઉપલેટા પોલીસ સ્ટેશનને વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *