ગુરુવારે ગુરુપુષ્ય નક્ષત્રમાં સોની બજારમાં ધનતેરસ અને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. સવારે 9.00 કલાકે જ બજારમાં ઘરાકી નીકળી હતી અને સોના-ચાંદીની ખરીદી રાત્રે 9.00 કલાક સુધી ચાલી હતી. આમ ગુરુપુષ્યામૃત નક્ષત્રને કારણે 12 કલાકમાં જ રૂ.90 કરોડનો વેપાર થઈ ગયો હતો. જે સામાન્ય દિવસ કરતા બેથી અઢી ગણો હતો. લોકોએ શુભ મુહૂર્તમાં સોના-ચાંદીની ખરીદી શુકન માટે કરી હોવાથી ઘરેણાં કરતા સોના-ચાંદીના સિક્કા અને લગડીની ડિમાન્ડ વધુ રહી હતી. જેને કારણે સાંજ સુધીમાં તો સોના-ચાંદીના સિક્કા અને લગડી બન્ને ખૂટી ગયા હતા. સવારથી જ બજારમાં લોકો પહોંચી ગયા હતા અને ખરીદી માટેનો ધસારો રાત સુધી ચાલુ રહ્યો હતો.
જેને કારણે માંડવી ચોક અને સોની બજારથી લઈને પેલેસ રોડ સુધીનું અંતર કાપતા અંદાજિત દોઢ કલાકનો સમય લાગ્યો હતો. આવી ખરીદી અંદાજિત 6 મહિના બાદ નીકળી હતી. તેમ જેમ્સ એન્ડ જ્વેલરી એસો.ના ફાઉન્ડર ચેરમેન પરેશભાઈ આડેસરાએ જણાવ્યું છે. વધુમાં તેના જણાવ્યાનુસાર લોકસભાની ચૂંટણી, અન્ય દેશોમાં યુદ્ધનો માહોલ અને અમેરિકાની ચૂંટણી સહિતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળો સોના-ચાંદીના ભાવ પર અસર કરતા હતા. બુધવારે મોડી રાતે 10 ગ્રામ દીઠ સોનાના ભાવમાં રૂ.1 હજારનો ઘટાડો આવ્યો હતો. લગ્ન, ધનતેરસનું બુકિંગ લોકોએ એડવાન્સ કરાવી લીધું. ધનતેરસ માટે સોના-ચાંદીના દાગીનાનું બુકિંગ સૌથી વધુ થયું છે.રાજકોટમાં પણ હવે છઠ્ઠ પૂજાનું મહત્ત્વ વધી રહ્યું છે.ત્યારે પરપ્રાંતીયોએ પણ છઠ્ઠ પૂજાને લઇને દાગીનાની ખરીદી કરી હતી.