લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોને નો ફેરિયા ઝોન જાહેર કરો

રાજકોટ શહેરના લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, સહિતની મુખ્ય બજારોમાં હાલ દિવાળીના તહેવારોમાં ઘરાકીના સમયે જ બજારની બન્ને બાજુની ફૂટપાથ પર લારી-ગલ્લાવાળા અને પાથરણાવાળા બેસી જતા હોવાથી તેમને હટાવવા અને આ બજારને ‘નો ફેરિયા ઝોન’ જાહેર કરવા વેપારીઓએ દ્વારા મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ગુરુવારે ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને રમેશ ટીલાળાની આગેવાની હેઠળ રાજકોટ હોલસેલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ હિતેશભાઇ અનડકટ, ધી રાજકોટ રેડીમેઇડ ગાર્મેન્ટ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જયેશભાઇ ધામેચા, લાખાજીરાજ વેપારી એશોસિએશનના પ્રમુખ મહેશભાઇ મહેતા, મૌલિકભાઇ વાઢેર, ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશનના પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણી, દીવાનપરા વેપારી એસોસિએશનના પ્રમુખ રૂપેશભાઇ રાચ્છ સહિતના 100થી વધુ વેપારીઓ ધસી આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી.

આવેદનપત્રમાં એવી રજૂઆત કરી હતી કે, અગાઉ પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા અમારી રજૂઆત ધ્યાને લેવાઈ નથી પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રાજકોટની મુખ્ય બજાર એવા લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને ઘી કાંટા રોડના તમામ વેપારીઓ આ રોડ પર બેસીને સામાન વેચતા પાથરણાવાળાઓ કે લારીવાળાઓથી પરેશાન છીએ. અમારા શો રૂમ કે દુકાન આગળ પાથરણા પાથરીને રસ્તા પર દબાણ કરતા આ લોકો ખૂબ જ માથાભારે તત્ત્વો પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *