રાજકોટમાં 8 વર્ષ બાદ એલોપેથી તબીબોના વિશ્વના સૌથી મોટા સંગઠન ગુજરાત ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની રાજ્યકક્ષાની કોન્ફરન્સ જીમાકોન-2024 આગામી શનિવાર અને રવિવાર એમ તા. 19 અને 20 ઓક્ટોબરે કાલાવડ રોડ પરની હોટેલ સિઝન્સ ખાતે યોજાશે. જેમાં વિવિધ રોગના દેશના જાણીતા તબીબો ઉપસ્થિત રહી જ્ઞાનની આપ-લે કરશે. જેમાં એઈમ્સ-નવી દિલ્હીના પૂર્વ ડિરેક્ટર પદ્મશ્રી ડો. રણદિપ ગુલેરીયાના હસ્તે ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્રીય આગેવાનોની ઉપસ્થિતિમાં શનિવારે કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 4 પદ્મશ્રી સહિતના તબીબો માર્ગદર્શન આપશે.
શનિવારે કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે તંદુરસ્ત સમાજની રચનાના ઉમદા ધ્યેય સાથે રાજકોટના આંગણે યોજાનારી આ કોન્ફરન્સમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ચાર તબીબો સહિત દેશના વિવિધ રોગની સારવારમાં ઓથોરીટી ગણાય એવા અનેક ગણમાન્ય તબીબો ખાસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે અને તબીબી ક્ષેત્રે વિશ્વકક્ષાએ થયેલ વિવિધ શોધ વિશે વિસ્તૃત માહિતી આપશે એમ જીમાકોન-2024ના ચેરમેન અને જાણીતા પેથોલોજીસ્ટ ડો. અતુલ પંડયા અને ઈન્ડીયન મેડિકલ એસોસીએશન- ગુજરાતના પ્રમુખ જાણીતા ઈ.એન.ટી. સર્જન ડો. ભરત કાકડીયાએ જણાવ્યુ છે. એઈમ્સ-નવી દિલ્હીના પૂર્વ ડિરેક્ટર પદ્મશ્રી ડો. રણદિપ ગુલેરીયાના હસ્તે ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્રીય આગેવાનોની ઉપસ્થિતિમાં શનિવારે કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે.