રાજકોટનાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ શહેર કોંગ્રેસ લોકોની વચ્ચે રહેવા માટે સતત પ્રયાસ કરી રહી છે. જે અંતર્ગત વધુ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ‘મેં હું ના’ અભિયાન હેઠળ કોંગ્રેસનાં શહેર પ્રમુખ લોકોની ફરિયાદ સાંભળશે. તેમજ સરકારી કચેરીઓમાં લોકોના અટકતા કામો કરવામાં મદદ કરશે. આ માટે લોકો શહેર કોંગ્રેસનાં કાર્યાલય ખાતે રૂબરૂમાં અથવા પત્ર દ્વારા પણ ફરિયાદ કરી શકશે. શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી પણ સવારે અને સાંજે ત્રણ-ત્રણ કલાક હાજર રહેશે. જોકે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને ભાજપ પ્રમુખે પણ દરરોજ લોકોને મળતા હોવાનો અને લોકોની સમસ્યા દૂર કરવા કામ કરતા હોવાનો દાવો કર્યો છે. જ્યારે મ્યુ. કમિશનર અને કલેક્ટરે સપ્તાહમાં એક દિવસ આ કામગીરી કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.
સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, હાલ ભાજપના શાસનમાં અધિકારીઓ બેફામ બન્યા છે. આ કારણે કલેક્ટર કચેરી, સિવિલ હોસ્પિટલ, શહેર પોલીસ ડિપાર્ટમેન્ટ, મહાનગરપાલિકા, બહુમાળી ભવન ઉપરાંત મામલતદાર કચેરીનાં કામો માટે પ્રજાજનોને ધક્કાઓ થતા હોય છે. અને વ્યાજબી અને જે કામો સરકારી કચેરી દ્વારા કરવાના થતા હોય છે તે સમય મર્યાદામાં કરવામાં આવતા નથી. અને લોકો તુમારશાહીનો ભોગ બનતા હોવાનું સામે આવી રહ્યું છે.