દિવાળીના તહેવારો આડે હવે માત્ર 11 દિવસ જ બાકી છે ત્યારે રાજકોટ મનપા દ્વારા ફાયર એનઓસીની પ્રક્રિયા તેજ કરાઇ છે. જોકે રાજકોટ શહેરમાં ફટાકડાના 100થી વધુ સ્ટોલ ખૂલી ગયા છે ત્યારે હજુ સુધી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ફાયર એનઓસીની 67 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે 145 અરજીઓની સ્થળ તપાસ હજુ પણ બાકી છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ અધિકારીઓ પણ ફાયર એનઓસીમાં નિયમોના કડક પાલનનો આગ્રહ રાખી રહ્યા હોય ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછા ફાયર એનઓસી ઇસ્યૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફાયર શાખાના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ફાયર શાખાની અલગ-અલગ આઠ બ્રાન્ચોમાં ફટાકડાના સ્ટોલ માટે એનઓસીની કુલ 212 અરજી આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં 67 ફાયર એનઓસી આપવામાં આવી છે. જેમાં મનપાના મુખ્ય ફાયર સ્ટેશનમાં 30, કોઠારિયા સ્ટેશનમાં 6, કાલાવડ રોડ સ્ટેશનમાં 4, રેલનગર સ્ટેશનમાં 22 અને મોરબી રોડ પર 5 અરજીનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન 327 જેટલા ફાયર એનઓસી ઇસ્યૂ કરાયા હતા જેની સરખામણીમાં હજુ સુધીમાં 21 ટકા જેટલા જ ફાયર એનઓસી ઇસ્યૂ કરાયા છે ત્યારે આ વર્ષે મહાનગરપાલિકા કે પોલીસ તંત્ર ફટાકડાના એનઓસી કે લાઇસન્સમાં દર વર્ષની જેમ લાલિયાવાડી ચલાવે તેમ લાગતું નથી.