મહારાષ્ટ્રના નાશિક આર્ટિલરી સેન્ટરમાં ગત ગુરુવારે બપોરે બનેલી મોટી દુર્ઘટનામાં રાજકોટ જિલ્લાના, જામકંડોરણા તાલુકાના આચવડ ગામના વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉં.વ.20) સહિત બે અગ્નિવિરના કરુણ મૃત્યુ થતા સમગ્ર તાલુકા અને જિલ્લા પંથકે શોક વ્યક્ત કર્યો હતો. મૃતક અગ્નિવીર જવાનના પાર્થિવ દેહને જામકંડોરણા રાજપૂત સમાજમાં દર્શનાર્થે રખાયા બાદ આન-બાન-શાન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. શહીદ અગ્નિવીરના પરિવારજનોની માંગણી છે કે, તેને 1.60 લાખની સહાય મળી છે, પરંતુ તેને યોગ્ય સન્માન અને મેડલ આપી સરકાર દ્વારા ગામમાં જ શહીદ અગ્નિવીરનું સ્ટેચ્યુ બનાવી દેવામાં આવે. હજુ જો કોઈ મળવા પાત્ર સહાય કે રકમ હોય તો તે પણ આપવામાં આવે.
અવારનવાર કહેતો, મારે દેશ માટે કામ કરવું છેઃ કિરીટસિંહ વિશ્વરાજસિંહના કાકા કિરીટસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વિશ્વરાજસિંહ અમારા પરિવાર માટે હીરો હતો. પોતે અવારનવાર તેના પિતાને કહેતો કે, મારે દેશ માટે કામ કરવું છે, આર્મીમાં જવું છે. આર્મી હેડક્વાર્ટરથી અમને જાણ કરવામાં આવી હતી કે, વિશ્વરાજસિંહ ગોહિલ શાહીદ થયેલ છે. આ પછી આર્મીની ટ્રકમાં જ તેમના પાર્થિવદેહને અમારા વતન લાવવામાં આવ્યો હતો. અમારા સમાજ દ્વારા, ગામના અન્ય સમાજના આગેવાનો-લોકો તેમજ સરકાર તરફે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ગુજરાતના મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય જયેશ રાદડિયા અને નિવૃત સૈનિકો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાર્થિવદેહને માદરે વતન લાવીને અંતિમ દર્શન બાદ આન-બાન શાન સાથે અંતિમવિધિ કરાઈ હતી.