હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેનું કારણ જણાવતા હવામાન વિભાગ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યું છે કે, હાલમાં ગુજરાત રાજ્ય ઉપર આવતા પવનો ઉત્તરપૂર્વીય દિશા તરફથી આવી રહ્યા છે. એટલે કે નૈઋત્યનું ચોમાસુ પૂર્ણ થયા બાદ જે પવન પાછા ફરી રહ્યા છે, તેને કારણે ગુજરાતના વિવિધ ભાગો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસમાં રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર વધારો થશે. એટલે કે ત્રણ ડિગ્રી જેટલું મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધી શકે છે.
ગુજરાત રાજ્ય સહિત દેશભરમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે, તેની સાથે જ ગુજરાત રાજ્યમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી વિવિધ ભાગોમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી સાત દિવસ હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ વરસાદ કમોસમી વરસાદ હશે અને હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે.