રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણમાં આવી રહેલા બદલાવો અંગે શિક્ષકોને પણ અપગ્રેડ કરવા જરૂરી છે ત્યારે આગામી તારીખ 14થી 18 ઓક્ટોબર દરમિયાન NEP-2020 અંતર્ગત ‘ટ્રેન ધ ટ્રેનર’ 5 દિવસીય વર્કશોપનું આયોજન કરાયું છે. જેમાં શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવશે. આ વર્કશોપમાં વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ, વર્ગખંડ વ્યવસ્થાપન તકનીકો, મિશ્રિત શિક્ષણ વાતાવરણને અપનાવવા અને એનઇપીના દૃષ્ટિકોણ અનુરૂપ શિક્ષણના વિઝનને વધુ સારું બનાવવા માટે તકનીકી સંકલન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ માટે શિક્ષકોને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે. ટેક્નિકલ શિક્ષણ કમિશનરેટ, ગુજરાત ટેક્નિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી તેમજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નિકલ ટીચર્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ચંદીગઢના સહયોગથી 5 દિવસિય ‘ટ્રેન ધ ટ્રેનર’ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ 14થી 18 ઓક્ટોબર દરમિયાન વિદ્યા સમીક્ષા કેન્દ્રના નચિકેતા હોલમાં યોજાશે. આ વર્કશોપનો ઉદ્દેશ ગુજરાતમાં ટેક્નિકલ અને પ્રોફેશનલ ટીચર્સમાં એનઈપી-2020ને લઇને માહિતગાર કરવાનો છે. આ વર્કશોપના ઉદ્ધાટન કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે.