રાજકોટનાં પેડક રોડ પરનાં અટલબિહારી વાજપાઈ ઓડિટોરીયમ ખાતે આજે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોને વિવિધ યોજનાનો લાભ એક જ સ્થળે મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અહીં વિવિધ યોજનાઓનો લાભ મેળવનારા લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. જ્યારે આ કાર્યક્રમમાં આવાસ અને પાણીનાં પ્રશ્નો લઈને પણ કેટલાક નાગરિકો આવ્યા હતા. જોકે, આવા પ્રશ્નો અંગે કોઈ યોગ્ય જવાબ આપતું નહીં હોવાથી તેમને નિરાશા મળી હતી. તો પાણીના પ્રશ્ન માટે આવેલા વોર્ડ નં 11નાં એક નાગરિકે પોતે મ્યુ. કમિશનરને મળવા આવ્યા હોવાનું અને તે નહીં મળતા વડાપ્રધાન મોદીને મળવાની તૈયારી દર્શાવી હતી.
મોટી સંખ્યામાં સ્થાનિકોએ લાભ લીધો પ્રાપ્ત વિગત મુજબ શહેરના અટલ બિહારી વાજપાઈ ઓડિટોરિયમ ખાતે દસમાં તબક્કાનો મહાનગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આયુષ્ય માન કાર્ડ, પી.એમ સ્વ નિધિ યોજના, ક્રાંતિ સ્વ સહાય જૂથના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ રાજકોટ મનપાની અને મામલતદાર કચેરી લગતી વિવિધ યોજનાઓનાં કામ લોકોને સ્થળ ઉપર કરી આપવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ આ સેવાસેતુનો લાભ લીધો હતો. જેમાં લાંબા સમયથી બાકી રહેલા કામો મિનિટોમાં થઈ જતા આવા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.