રાજકોટના છેવાડાના વિસ્તારોમાં રોડ-રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સદંતર નિષ્ફળ પુરવાર થઇ રહ્યું છે. સારો વરસાદ અને નર્મદાનાં નીર મળતાં હોવા છતાં શહેરમાં નવા ભળેલા અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે. રોજના કકળાટથી કંટાળી મહિલાઓએ રાજકોટ-મેટોડા-કાલાવડ હાઈવે બ્લોક કરી દીધો. માથે બેડાં લઇ મહિલાઓ પહોંચતા હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઇ. સ્થાનિકોનો આક્ષેપ છે કે રજૂઆત કરીએ છીએ તો RMC-RUDA એકબીજાને ખો આપે છે, તો શું અમે પાકિસ્તાનમાં આવીએ છીએ.
કણકોટ પાટિયા વિસ્તારમાં રહેતાં કાજલબેન મકવાણાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં લાંબા સમયથી ગટર, રોડ-રસ્તા તેમજ પાણીની સમસ્યા છે. અત્યાર સુધી કહેતા હતા કે, તમે કોર્પોરેશનમાં નથી આવતા, RUDAમાં પણ આવતા નથી. તો અમે શું પાકિસ્તાનમાં આવીએ છીએ? અમને જવાબ પણ કોઇ આપતું નથી. જ્યારે વોટ લેવા હોય ત્યારે બધા આવે છે, પણ અમારી સમસ્યા કોઈને દેખાતી નથી. અધિકારીઓ આવે છે અને થઇ જશે તેવું કહીને આંટો મારીને જતા રહે છે. પણ અમારી સમસ્યા ઠેરની ઠેર છે.
આ વિસ્તારમાં પાણીની અને રોડ-રસ્તાની સમસ્યા છે. તેમજ વરસાદ આવે ત્યારે લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ જાય છે. જેને લઈને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપવન સોસાયટી નામથી અહીં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં ક્વાર્ટર આવેલાં છે. જેમાં 600-700 ક્વાર્ટરમાં 10 હજાર કરતાં વધુ લોકો વસવાટ કરે છે, છતાં તંત્રને અમારી કોઈ પડી નથી. અમારી સ્પષ્ટ માગ છે કે, તાત્કાલિક અમારી સમસ્યા દૂર કરવામાં આવે. જો આમ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરીશું.