સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 52મા યુવક મહોત્સવની તારીખ જાહેર કરવામાં આવી ચૂકી છે. જેનું નામાભિધાન ઉદ્દેતી યુવક મહોત્સવ રાખવાનું નક્કી કરાયું છે. આ યૂથ ફેસ્ટિવલ 17થી 19 ઓક્ટોબર દરમિયાન યોજાશે. જેનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે કરવામાં આવશે. યુવક મહોત્સવ દરમિયાન 33 જેટલી સ્પર્ધાઓ યોજાશે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ સાહિત્ય, કલા અને સંસ્કૃતિ વિભાગની સ્પર્ધાઓમાં ભાગ લઈ સૌરાષ્ટ્રની કાઠીયાવાડી તેમજ ભારતીય લોક સંસ્કૃતિની ઝાંખી કરાવશે. યુવક મહોત્સવમાં અંદાજે 1,500થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. ત્યારે અત્યાર સુધીમાં 57 કોલેજોએ સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ લીધા છે અને હજુ રજીસ્ટ્રેશન માટે 4 દિવસ બાકી છે. ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓ યુવક મહોત્સવમાં ભાગ લે તે માટે ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક દ્વારા અપીલ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી 17થી 19 ઓક્ટોબર યુનિવર્સિટી કેમ્પસમાં સ્થિત કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે 52મો ઉદ્દેતી યુવક મહોત્સવ યોજવામાં આવશે. જેમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની 33 સ્પર્ધાઓ યોજાશે. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા દૂહા, છંદ, પ્રાચીન રાસ, લોકગીત, ભજન, હાલરડાં, શાસ્ત્રીય નૃત્ય સહિતની સ્પર્ધા યોજાશે. શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં યોજનનારા યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. કમલસિંહ ડોડિયા અને રજીસ્ટ્રાર ડૉ. રમેશ પરમાર ઉપરાંત સૌરાષ્ટ્રની અન્ય 3 યુનિવર્સિટીના કુલપતિને આમંત્રણ આપવાનું આયોજન છે.