શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી 27 વર્ષની યુવતી પોતાના ઘરે કપડાં બદલાવી રહી હતી ત્યારે પાડોશી શખ્સે પોતાના મોબાઇલમાથી યુવતીનો તે વીડિયો ઉતારી લીધો હતો. માનસિક વિકૃતિ ધરાવતા આ શખ્સે શરૂઅાતમાં તો પોતે નિર્દોષ હોવાનું રટણ રટ્યું હતું, પરંતુ પોલીસે મોબાઇલ ચેક કરતાં જ ભાંડો ફૂટી ગયો હતો. બરોડામાં રહી મેકઅપ આર્ટિસ્ટ તરીકે નોકરી કરતી 27 વર્ષની યુવતીને કેટલાક દિવસથી નાકમાંથી લોહી નીકળતું હોય તેની સારવાર અને સર્જરી માટે ગત તા.18ના તે રાજકોટ પોતાના ઘરે આવી હતી અને શહેરમાં આવેલી અેક હોસ્પિટલમાં તા.20ના તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ યુવતી થોડા દિવસ માટે રાજકોટ રોકાઇ હતી.
તા.22ને રવિવારે સાંજે યુવતી પોતાના મિત્રો સાથે બહાર જમવા ગઇ હતી અને રાત્રીના સાડા દસ વાગ્યે પોતાના ઘરે પરત આવી હતી. પરિવારના સભ્યો હોલમાં ટીવી જોઇ રહ્યા હતા ત્યારે યુવતી રાત્રીના 11 વાગ્યે મકાનના ઉપરના ભાગે રૂમમાં કપડાં બદલાવવા ગઇ હતી. યુવતી પોતાના કપડાં બદલાવી રહી હતી ત્યારે રૂમની બહાર આવેલી અગાશીની બારીમાંથી વાકડિયા તથા મોટા વાળવાળું કોઇ વ્યક્તિ મોબાઇલમાં વીડિયો ઉતારી રહ્યું તેવું લાગતા યુવતી સ્તબ્ધ થઇ ગઇ હતી. તેણે ઝડપથી કપડાં ચેન્જ કરી અગાશી પર ગઇ હતી, પરંતુ ત્યાં કોઇ જોવા મળ્યું નહોતું.
યુવતીએ પરિવારજનોને તાકીદે બોલાવ્યા હતા અને પાડોશમાં રહેતા વિજય વલ્લભ પારખિયાએ આ કૃત્ય કર્યાની શંકા ઉઠતાં પરિવારજનોએ વિજયને બોલાવ્યો હતો, પરંતુ તેણે બહાર આવવામાં સમય લગાડતા તેના પરની શંકા દૃઢ બની હતી. વિજયે પોતાના ઘરની અંદર બહાર સીસીટીવી કેમેરા લગાવ્યા છે. યુવતીએ પોતાના ઘરની અગાશી પર કોઇ આવ્યાની શંકા વ્યક્ત કરી સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવાની વાત કરતાં વિજયે કેમેરા ચોટે છે તેમ કહી યુવતી અને તેના પરિવારજનો સાથે ઉદ્ધત વ્યવહાર કરતાં વિજય જ આરોપી હોવાનું સ્પષ્ટ થયું હતું. યુવતીએ આ મામલે કન્ટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસની ટીમ પહોંચી હતી. વિજયે શરૂઆતમાં તો પોતે આ અંગે અજાણ હોવાનું રટણ રટ્યું હતું, પરંતુ પોલીસે વિજયનો મોબાઇલ લઇને ચેક કરતા જ મોબાઇલમાંથી વીડિયો મળ્યો હતો જેમાં યુવતી કપડાં બદલાવતી હોય તેવા દૃશ્યો હતા. પોલીસ સૂત્રોઅે જણાવ્યું હતું કે, વિજય પારખિયા પરિણીત છે અને તેને સંતાનમાં એક પુત્રી છે. પોલીસે વિજયની આગવીઢબે સરભરા કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.