રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ જૂનાગઢ જેલના કેદીએ હોસ્પિટલ કેમ્પસમાં કોન્સ્ટેબલની આંખમાં મરચાંની ભૂકી છાંટી નાસી ગયો હતો. કેદીના ફરાર થઇ જવાથી પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.
મોરબીના વતની સાગર નવઘણ મુંધવા (ઉ.વ.30) સામે કેશોદ પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોલીસે સાગરની ધરપકડ કરી તેને જૂનાગઢ જેલહવાલે કર્યો હતો. પાંચેક દિવસ પહેલાં સાગરે જૂનાગઢ જેલમાં ખીલી ખાઇ લીધી હતી. લોખંડની ખીલી ખાઇ લેનાર સાગરને જૂનાગઢ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લોખંડની ખીલી કાઢવા માટે સર્જરી કરવાનો તબીબોએ નિર્ણય કર્યો હતો.
તબીબોએ સાગર મુંધવાને કેળા ખવડાવવાનું કહેતા જાપ્તાના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારણભાઇ બાબરિયા કેદી સાગરને લઇને હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્ટીને લઇને ગયા હતા. કોન્સ્ટેબલ બાબરિયાએ કેળા ક્યાંથી મળશે તે અંગેની પૃચ્છા કરી હતી. દરમિયાન કેદી સાગરે પોતાના પેન્ટના ખિસ્સામાં રહેલો રૂમાલ કાઢ્યો હતો અને રૂમાલમાં રહેલી મરચાંની ભૂકી કોન્સ્ટેબલ બાબરિયાની આંખમાં છાંટી દીધી હતી. અચાનક જ હુમલો થતાં અને આખમા મરચું છંટાતા કોન્સ્ટેબલ બાબરિયા આંખો ચોળવા લાગ્યા હતા તે સાથે જ કેદી સાગરે કેન્ટીન બહાર દોટ મૂકી હતી. સ્વસ્થ થયા બાદ કોન્સ્ટેબલ બાબરિયાએ દેકારો કરતા લોકો એકઠા થઇ ગયા હતા અને બાબરિયા સહિત ત્રણેક લોકો કેદી સાગર ભાગ્યો હતો તે દિશામાં દોડ્યા હતા, પરંતુ કોઠી કમ્પાઉન્ડની દીવાલ કૂદીને સાગર અદૃશ્ય થઇ ગયો હતો. આ મામલે અંતે કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ બાબરિયાએ ફરિયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.