શહેરમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર અટલ સરોવર પાસે રાત્રીના બેકાબૂ આઇસરે બાઇકને ઠોકરે લેતા એન્જિનિયર યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેની પત્નીને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં કરુણતા એ છે કે, મુત્યુ પામનાર યુવાનના છ માસ પહેલાં જ લગ્ન થયા હતા તે મૂળ જામકંડોરણાના ભાદરા ગામના વતની હોવાનું અને હાલ મેટોડા ખાતે નોકરી કરતો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવા 150 ફૂટ રિંગ રોડ નજીક બેકાબૂ આઇસરે બાઇકને ઠોકરે લેતા મેટોડામાં રહેતો નયનભાઇ મુકેશભાઇ વીરડિયા (ઉ.25) તેમજ તેના પત્ની હેપ્પીબેન (ઉ.24) ફંગોળાઇ જતા નયનભાઇનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે લોકો એકઠા થઇ ગયા હતા. જાણ કરતા 108ની ટીમે પહોંચી ઘાયલ હપ્પીબેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.