જેતપુર સરકારી હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટમાં ચોરીનો બનાવ બન્યો છે, જ્યાંથી અજાણ્યા તસ્કરો કોપરની ૧૦ પાઈપ અને પિત્તળના ૧૦ વાલ્વ કાપીને અંદાજે પચાસ હજાર રૂપિયાની મત્તા ચોરી કરી ગયા હોવાની સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.
જેતપુરની એ ગ્રેડની સરકારી હોસ્પિટલમાં નિયમિત ચેકિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ઓપરેટરને ઓક્સિજન પ્લાન્ટમાંથી સામાન ગાયબ હોવાની જાણ થઈ હતી. આ ચોરી અંગે તાત્કાલિક ધોરણે સિવિલ અધિક્ષક સહિત હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓને વાકેફ કરવામાં આવ્યા હતા
ત્યારબાદ ઓક્સિજન પ્લાન્ટના ઓપરેટર જીતેન્દ્રભાઈ ગોહેલે પોલીસ મથકે પહોંચીને અજાણ્યા શખ્સ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ગુનો નોંધીને આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ ક્યારે હતો એ પણ મોટો સવાલ!
સમગ્ર ઘટના પાછળ વહીવટી તંત્રની કામગીરી અને નિયમોને લઈને અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. વાસ્તવિક સ્થિતિ એવી છે કે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં તો આવ્યો હતો, પરંતુ તે ક્યારેય ચાલુ જ થયો નહોતો અને જો ક્યારેક ચાલુ થયો હશે તો થોડો સમય પૂરતો જ, ત્યારબાદ તો તે બિલકુલ બંધ હાલતમાં જ હતો, જેના કારણે ઓપરેટરની પોસ્ટ માત્ર નામ પૂરતી અને કામ વગરની રહી હતી.