આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વની ઠેર ઠેર ભારે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં મુખ્ય ચોક, શાળા કોલેજ, એપાર્ટમેન્ટ અને સોસાયટીમાં મળી 5000 જેટલા નાના-મોટા ગણપતિનું સ્થાપન કરી મહોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં શહેર ભાજપ દ્વારા છેલ્લા 16 વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને છેલ્લા 25 વર્ષથી ત્રિકોણબાગ ચોક ખાતે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મેયર બંગલોથી રેસકોર્સ મેદાન ખાતે બાપાનું વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટમંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ સહિત મહિલા મોરચાની બહેનો ગરબે ઘૂમી હતી. જ્યારે ત્રિકોણબાગ ખાતે બેન્ડાવાજા સાથે બાપાનું પૂજા અર્ચન સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવના આયોજક જીમી અડવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના ત્રિકોણ બાગ ચોક ખાતે આ વખતે 26માં વર્ષે ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગણપતિ મહોત્સવમાં 30 ફૂટ આડો અને 30 ફૂટ લાંબો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ગણપતિ દાદાની 8.75 ફૂટની મૂર્તિ મુકવામાં આવી છે અને મૂર્તિમાં આ વખતે ભગવાન રામના સ્વરૂપમાં મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. જેના એક હાથમાં ધનુષ બાણ આપવામાં આવ્યું છે. જે પાપી અને અનિષ્ટોનો નાશ કરશે અને બીજા હાથથી ભાવિકોને આશીર્વાદ આપશે. 10 દિવસનું આયોજન અને 11 દિવસે વિસર્જન કરવામાં આવશે. આ 11 દિવસમાં અંદાજિત કુલ 50 લાખનો ખર્ચ થશે. કોઈ દુર્ઘટના થાય તો તેની સામે કવચ માટે 1.25 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. દરરોજ સાંજે 5.30થી 7.30 વાગ્યા સુધી પબ્લિક અવેરનેસ કાર્યક્રમ 8.15 વાગ્યે મહાઆરતી અને 9 થી 12 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે.