અટલ સરોવર પાસેની જમીન વેપારીને વેચી 1.90 કરોડની છેતરપિંડી આચરી

શહેરમાં અનેક લોકોએ જમીન મકાનના સોદાના નામે અગાઉ છેતરપિંડી આચરી છે, આવા જ જમીનના સોદાગરોએ ફરસાણના વેપારી સાથે ઠગાઇ કરી હતી, અટલ સરોવર પાસેની 5 એકર જમીનનો સોદો કરી સુથી પેટે રૂ.1.90 કરોડ વસૂલી ભુમાફિયાઓએ દસ્તાવેજ નહીં કરી દઇ છેતરપિંડી આચરી હતી. પોલીસે ચાર શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. હનુમાનમઢી પાસેના તિરૂપતિનગરમાં રહેતા અને રૈયા રોડ પર ફરસાણની દુકાન ચલાવતા ભુપતભાઇ ગોવિંદભાઇ ઠુમરે (ઉ.વ.51) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનીષ કચરા દેત્રોજા, રવિ વાઘેલા, સરપદડના શૈલેષ તથા એક અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા.

ભુપતભાઇ ઠુમરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2023માં તેમને જમીન ખરીદવી હોય જમીન મકાન લે-વેચનું કામ કરતાં મનીષ દેત્રોજાનો સંપર્ક થયો હતો અને તેણે ઘંટેશ્વર પાસે અટલ સરોવર નજીક ઘુસાભાઇ ઘેલાભાઇ સીતાપરાની પાંચ એકર જમીન વેચવાની છે તેવી વાત કરી હતી અને ભુપતભાઇ તથા મનીષ સહિતનાઓ જમીન જોવા ગયા હતા. ભુપતભાઇને જમીન પસંદ પડતાં એક એકરના રૂ.6 કરોડ પેટે 5 એકરના રૂ.30 કરોડ એમ સોદો નક્કી થયો હતો. દોઢ વર્ષમાં જમીનની કુલ રકમ ચૂકવી દેવાનું અને છ મહિનામાં દસ્તાવેજ કરી દેશે તેવું નક્કી થયું હતું.

મનીષ સહિતના આરોપીઓએ જમીનના સાટાખત કરી આપ્યા હતા અને ભુપતભાઇએ સુથી પેટે કટકે કટકે રૂ.1.90 કરોડ ચૂકવી દીધા હતા, ચારેક મહિના બાદ ભુપતભાઇને જાણવા મળ્યું હતું કે, ઘુસાભાઇએ જમીન વેચવા કાઢી જ નથી, ભુપતભાઇ પોતાને કરી દેવામાં આવેલા સાટાખત લઇને ઘુસાભાઇના ઘરે પહોંચ્યા હતા અને સાટાખતમાં લગાવેલો ફોટો તથા ઘુસાભાઇને જોતા ફોટો કોઇ અન્ય શખ્સનો હોવાનું સ્પષ્ટ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *