દર વર્ષે 6 સપ્ટેમ્બરનો દિવસ ‘નેશનલ રીડ અ બુક ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ વાંચનના આનંદની ઉજવણી કરવાનો છે, તેમજ વાંચનની પ્રવૃત્તિમાં લોકો રસ લેતા થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના 21 જિલ્લાના 50 તાલુકામાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાયોના લોકોમાં વાંચન પ્રત્યે રસ જાગૃત થાય અને તેઓ વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી રાજ્યના તમામ આદિવાસી તાલુકાઓમાં પણ પુસ્તકાલયો કાર્યરત કરવાનું આયોજન છે. આ અંતર્ગત, રાજ્યના 7 આદિજાતિ જિલ્લાઓના 14 તાલુકામાં પુસ્તકાલયો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. તેના પરિણામે, ગુજરાતના પ્રત્યેક આદિજાતિ તાલુકાના તમામ આદિવાસી સમુદાયોને વાંચન સેવાનો 100 ટકા લાભ પ્રાપ્ત થશે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પુસ્તકાલયો શરૂ કરવા અંગે પણ રાજ્ય સરકારે વિચાર કર્યો છે. રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવતી ગ્રાન્ટમાં વર્ષ 2023-24થી અનુદાનિત ગ્રંથાલયોને લોકફાળામાંથી મુક્તિ આપી 100 ટકાના ધોરણે અનુદાનમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.