ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાનની 2024 શરૂઆત કરી છે. જેમાં પીએમ મોદીએ ભાજપની પોતાની સદસ્યતાને રિન્યૂ કર્યા બાદ આખા દેશમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સદસ્યતા અભિયાન 2024 પ્રારંભ કરવામાં આવ્યું હતું. આજે રાજકોટ શહેર કમલમ ખાતે પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજનો ચૂંટણી પૂર્વે સદસ્યતા અભિયાન શરૂ થતા પ્રથમ તબક્કામાં બુથ દીઠ ઓછામાં ઓછા 200 લોકોને જોડવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, આજથી રાજકોટમાં સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિત તમામ સંગઠનના નેતાઓ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દર 6 વર્ષે સદસ્યતા અભિયાન રીન્યુ માટે કાર્યક્રમ યોજવામાં આવે છે અને વધુને વધુ લોકોને દેશની વિકાસ કામગીરીમાં સાથે જોડવા માટેનો પ્રયાસ છે. રાજકોટ શહેર ભાજપના તમામ હોદેદારોને આ માત્ર જવાબદારી સોંપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં એક બુથ દીઠ ઓછામાં ઓછા 200 લોકોને જોડવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે